Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખના ગામમાં ગાબડુઃ દેવરાજીયા ગામના બે પીઢ અગ્રણીઓ ભાજપ છોડી ફરી કોંગ્રેસમાં જોડાયા

(અરવિંદ નિર્મળ-ઇકબાલ ગોરી દ્વારા) અમરેલી-સાવરકુંડલા, તા.૬: અમરેલી ખાતે નેતા વિપક્ષ પરેશભાઇ ધાનાણીની હાજરીમાં દેવરાજીયા ગામના પીઢ કોંગ્રેસ અગ્રણી સાવરકુંડલા નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને ચીફ ઓફીસર બી.એન.રાખોલીયા, દેવરાજીયા ગામના જ પીઢ ખેડૂત અગ્રણી ભનુભાઇ બાબરીયા તથા નિવૃત મામલતદાર અને ચીફ ઓફીસર અને પરેશભાઇ ધાનાણીના પાયાના વડીલ માર્ગદર્શક એમ.આર.ધાનાણીએ ભાજપ છોડી પુનઃ કોંગ્રેસમાં ઘરવાપસી કરતા કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી છે.

જિલ્લા ભાજપ પ્રમુખશ્રીના ગામના જ આ બે પીઢ અગ્રણીઓ ભાજપ સરકારની નીતી રીતી જેવી કે ખેડૂતોની ઉપેક્ષા, મોંઘવારીનું તાંડવ અને સતત અરાજકતાને કારણે ત્રસ્ત હોવાથી ફરીથી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ભુકંપ સર્જાયેલ છે.

કોંગ્રેસપક્ષની નીતી ગામ, ગામડુ, ખેતી અને ખેત મજુરોને ધ્યાનમાં રાખી ઘડાતી હોય, સંગઠનમાં પણ કાર્યકરોનું માન સન્માન જળવાતું હોય એ બાબત ધ્યાને લઇ ઉપરોકત અગ્રણીઓ સ્વેચ્છાએ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે.

આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી, મહામંત્રી જનકભાઇ પંડયા, જિલ્લા કોંગ્રેસ અગ્રણી દિલીપભાઇ બસીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઇ ભંડેરી, તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુલભાઇ પોંકીયા, શૈલેષભાઇ ભંડેરી વિગેરે સહિતના અગ્રણીઓએ ઉપરોકત વરિષ્ઠ અગ્રણીઓએ કોંગ્રેસ પક્ષમાં ખેસ પહેરાવી સ્વાગત કરી આવકારવામાં આવેલ હતા.

(1:51 pm IST)