Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સવારના 10થી બપોર 4 સુધીમાં મોરબી જિલ્લામાં વધુ અડધાથી દોઢ ઈંચ વરસાદ હળવદમાં દોઢ ઈંચ, ટંકારામાં સવા ઈંચ, માળીયા અને મોરબીમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે અને ધીમીધારે મેઘરાજા વહાલ વરસાવી રહ્યા છે. જેમાં આજે સોમવારે સવારના 10 થી 4 બપોરના દરમિયાન મોરબી જિલ્લામાં વધુ અડધાથી દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો અને હળવદમાં દોઢ ઈંચ, ટંકારામાં સવા ઈંચ, માળીયા અને મોરબીમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે.
મોરબી જિલ્લામાં ગતરાત્રીના ચાર વાગ્યાથી ધીગી મેઘસવારી આવી પહોંચી હતી અને મધ્યરાત્રીથી મેઘરાજા અવિરતપણે ધીમીધારે અમી વર્ષા કરી રહ્યા છે. જોકે ગત રાત્રીના 4 થી આજે બપીરના 2 વાગ્યા સુધી કટકે કટકે ધીમું હેત વરસાવ્યું હતું અને બપોર બે બાદ વરસાદનું જોર વધ્યું હતું. જિલ્લામાં બપોરના 2 થી 4 દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ત્યારે જિલ્લા કંટ્રોલ રૂમે મોરબી જિલ્લામાં આજે સવારના 10 વાગ્યાથી સાંજના 4 દરમિયાન નોંધાયેલા વરસાદના આકડા મુજબ હળવદમાં 41 મીમી, ટંકારા 31 મીમી, માળીયા 27 મીમી અને મોરબીમાં 24 તેમજ વાંકાનેરમાં 11 મીમી વરસાદ પડ્યો હતો. જોકે હજુ ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો છે.
જ્યારે આજના દિવસનો કુલ વરસાદ જોઈએ તો મોરબી જિલ્લામાં વહેલી સવાર 4 વાગ્યાથી આજના સાંજના ચાર વાગ્યા સુધીમાં ટંકારામાં 73 મીમી એટલે 3 ઈંચ, હળવદમાં 47 મીમી એટલે બે ઈંચ, મોરબીમાં 45 મીમી એટલે પોણાં બે ઈંચ તથા માળીયામાં 39 મીમી એટલે દોઢ ઈંચ અને વાંકાનેરમાં 29 મીમી એટલે સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા. જો કે સારા વરસાદને પગલે ખેડૂતોમાં મુરજાતી મોલાતને જીવતદાન મળતા ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે.

 
(8:16 pm IST)