Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ખંભાલીડાની બૌધ્ધગુફામાં પાણી ટપકયા

અલભ્ય પ્રાચીન વિરાસતને નુકશાન પહોંચે તે પહેલા સુરક્ષાના પગલા ભરવા જયાબેન ફાઉન્ડેશનની રજુઆત : બૌધ્ધ ગુફાઓને પારદર્શક પ્લાસ્ટીક ડોમથી ઢાંકી દેવા સુચન

રાજકોટ તા. ૬ : ગુજરાતમાં આવેલ ૧૮૦૦ વર્ષ પુરાણી ખંભાલીડાની બૌધ્ધ ગુફાઓમાં વરસાદી પાણી ટપકવા લાગતા અલભ્ય પ્રાચીન વિરાસતની સુરક્ષા પર જોખમ ઉભુ થયુ છે.

આ અંગે જયાબેન ફાઉન્ડેશન રાજકોટના મેનેજીંગ ટ્રસ્ટી પરેશ પંડયાએ પુરતત્વ વિભાગના રાજય ઇન્ચાર્જ ડાયરેકટર શ્રી વરીયાને ટેલીફોનિક રજુઆત કરી હતી. તાત્કાલીક પગલા ભરી પ્રાચિન સંસ્કૃતિના સ્ળને રક્ષિત સ્મારકને બનાવવા રજુઆતો કરી છે. અન્ય વિભાગોને પણ વારંવાર રજુઆતો કરી છે. મુખ્યમંત્રીશ્રીના જિલ્લામાં પણ પુરતુ ધ્યાન અપાતુ ન હોવાનું દુઃખ ડો. પરેશ પંડયાએ એક યાદીમાં વ્યકત કરેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે જયાબેન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આ અલભ્ય પ્રાચિન વિરાસતને બનાવવા ૨૦૦૩ થી સતત અવિરત પ્રયાસો થતા આવ્યા છે. અનેક વખત સંલગ્ન વિભાગોમાં રજુઆતો થઇ છે.

હાલ વરસાદનું પાણી ગુફાની અંદર ટપકી રહ્યુ છે. જો ધ્યાન ન અપાય તો મોટુ નુકશાન થવાની પુરી ભીતી છે. ત્યારે આ સમગ્ર ગુફા સ્થળને જમીનથી થોડી ઉંચાઇએ મજબુત પારદર્શક પ્લાસ્ટીકના ડોમથી ઢાંકી દેવામાં આવે તો આ સ્થળ સુરક્ષિત બની શકે તેમ છે. વળી પારદર્શક પ્લાસ્ટીક રાખવાથી પ્રકાશ પણ મળતો રહેશે.

આ પહેલા પણ મુખ્ય બૌધ્ધ ગુફા પાસેથી ગુફામાંથી શીલાઓ પડી ગઇ હતી. ત્યારે પણ પુરતુ ધ્યાન અપાયુ નહોતુ. જો સમયસર યોગ્ય નહીં થાય તો આ રક્ષિત સ્મારક ટકી ન શકવાની પુરી ભીતી હોવાનું પરેશભાઇ પંડયાએ અંતમાં ચિંતા વ્યકત કરતા જણાવેલ છે.

(3:41 pm IST)