Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર : ચુડા, સાયલામાં બે ઇંચ મૂળી તાલુકાના ઉમરડા ગામની સીમમાં વીજળી પડતા ખેડૂતનું મોત

વઢવાણ તા. ૬ : સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના અલગ-અલગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચુડા તાલુકામાં અંદાજે ૨ ઈંચ જેટલો નોંધાયો હતો. આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સરેરાશ ૦ાા થી ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જયારે સાર્વત્રીક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને લોકોએ ગરમીથી રાહત પણ અનુભવી હતી.ઙ્ગ

મુળી તાલુકાના ટીડાણા ગામે રહેતાં ખેડુત વિક્રમભાઈ ઉર્ફે મહેન્દ્રભાઈ વજુભાઈ પોતાના ઉમરડા ગામની સીમમાં આવેલ ખેતરમાં ખેતીકામ કરી રહ્યાં હતાં તે દરમ્યાન અચાનક દિન-દહાડે વિજળી પડતાં ખેડુતનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. જે અંગેની જાણ આસપાસના લોકો સહિત પરિવારજનોને થતાં ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં અને આ અંગે સ્થાનિક તંત્રના અધિકારીઓને જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે મુળી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી.ઙ્ગ

જયાં ફરજ પરનાં ડોકટરે ખેડુતને મૃત જાહેર કર્યાં હતાં જયારે ખેડુતના વિજળી પડવાથી મોતના સમાચાર વાયુવેગે ફેલાતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાર્વત્રીક વરસાદી માહોલ છવાયો છે ત્યારે આશાસ્પદ ખેડુતનું મોત નીપજતાં પરિવારજનો પર આભ તુટી પડયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂઆતથી જ સારો એવો વરસાદ પડ્યો છે તેને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા આગોતરું વાવેતર કરવામાં આવ્યું હતું જેને પગલે વરસાદ પણ વહેલો થવાના કારણે આગોતરું વાવેતર સફળ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે ખાસ કરી બાકી રહેલ ખેડૂતો દ્વારા પણ હાલમાં વાવેતર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ગઈકાલથી સુરેન્દ્રનગર જિલ્લામાં મધ રાત્રે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂકયો છે અને ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો ને વાવણી લાયક વરસાદ થતા જગતના તાત ખુશીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો ત્યારે વરસાદના પગલે જિલ્લાનાં જળાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે.(

(1:12 pm IST)