Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

'મોરબી આવનારી વિધાનસભા પેટાચુંટણીમાં ભાજપ તરફથી બ્રિજેશ મેરજા ફાઇનલ'

બંને મુખ્ય રાજકીય પક્ષોમાં ચુંટણીનો ધમધમાટ શરૃઃ ચુંટણી મેદાને જંગ બની રહેશેઃ ગુજરાતભરની નજર મંડાશે

મોરબી, તા.૬: ગત રાજયસભાની ચૂંટણી પૂર્વે મોરબી-માળિયા (મીં) વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ એકાએક કોંગ્રેસના સભ્યપદેથી તેમજ ચાલુ ધારાસભ્યપદેથી રાજીનામું આપતાં રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓએ જોર પકડયુ હતુ અને મેરજાના રાજીનામાથી બીજેપીના રાજયસભાના ત્રીજા ઉમેદવાર નરહરિભાઇ અમન પણ વિજેતા જાહેર થયા હતા અને ત્યારથી બ્રિજેશ મેરજા હવે પછી શું મોરબી ભાજપની સીટ પરથી પેટા ચુંટણી લડશે? તેવા સવાલો નિરંતર રાજકીય લોબીમાં ઉઠતા રહ્યાા હતા પરંતુ આ બાબતે કોઇ સ્પષ્ટતા કયારેય કરવામાં આવી નહોતી. અને હા અને ના ની વચ્ચે અનુમાનો અને અટકળોનો સીલસીલો ચાલુ જ જ રહ્યો હતો.

બ્રિજેશ મેરજા સહિત ભાજપ હજુ પણ મગનું નામ મરી પાડવા તૈયાર નહોતા અને પાર્ટી જે નક્કી કરે તે સહુ સ્વીકારશે તેવી રાજકીય શબ્દોની કેસેટ ચડાવી હતી.

દરમિયાનમાં જયારે હવે મોરબી સહિતની પેટાચુંટણીઓ સપ્ટેમ્બરમાં યોજાવા જઇ રહી છે અને માત્ર બે માસ જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે મોરબીની પેટાચુંટણીને ધ્યાને રાખી પ્રદેશભાજપ દ્વારા મોરબી વિધાનસભાની સીટ માટે સૌરભભાઇ પટેલ અને આઇ.કે. જાડેજાને નિરિક્ષણ તરીકે મુકવામાં આવ્યા છે અને તેઓ બંને ગઇકાલ બપોરથી સાંજ સુધી મોરબીમાં જ રોકાયા હતા અને ક્રમવાર ભાજપ આગેવાનો સાથે ખાનગી  મીંટીગો યોજી હતી. જીલ્લા ભાજપથી લઇને તમામ ભાજપ અગ્રણીઓને બોલાવ્યા હતા અને ચુંટણીલક્ષી સમિક્ષાઓ કરવામાં આવી હતી. આ તકે તેમણે મોરબી પંથકમાં ભાજપ પક્ષમાં જે સૌથી વધારે બે નામ ચર્ચામાં છે તે બંને ભાજપી આગેવાનો બ્રિજેશભાઇ મેરજા અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથે પણ તેમને બોલાવી મુલાકાત કરી હતી.

દરમિયાનમાં અતિ વિશ્વસનીય સૂત્રો દ્વારા એ પણ જાણવા મળ્યું હતુ કે, આગેવાનોએ આગામી વિધાનસભાની પેટાચુંટણીમાં ભાજપ તરફથી બ્રિજેશભાઇ મેરજા જ ઉમેદવાર હોવાનુ જણાવી દીધુ હતું. આ અતિ વિશ્વાસુ સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ અને મોડેથી તે વાતને પૂર્ણ સમર્થન પણ મળી ગયુ હતુ અને આગામી સમયમાં ભાજપના ઉમેદવાર કોણ? તે ચર્ચા-પ્રશ્નનો નિવેડો  આવી ગયો હતો અને તે સાથે જ ચુંટણીના ધમધમાટના શ્રી ગણેશ થઇ ગયા હતા.

પ્રતિષ્ઠાના જંગ અને યુધ્ધના મેદાનમાં લડવા જેવી આ ચુંટણી રાજકીય મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ કયાંય કચાશ છોડવા માગતા નથી બંને જંગ લડવા અત્યારથી જ પોતપોતાના શામ-દામ-દંડ ભેદના હથિયાર સજાવવાના કામમાં લાગી ગયા છે.

ગુરૂ-શુક્રવારના રોજ કોંગ્રેસના યુવા પ્રચારક એવા હાર્દિક પટેલે મોરબીમાં રોકાણ કર્યુ હતું અને કોંગ્રેસી આગેવાનો કાર્યકરોને મળ્યા હતા, તો વળી શનિવારે સવારના ભાજપના બંને નિરિક્ષકો સૌરભ પટેલ અને આઇ.કે. જાડેજા આવી પહોંચ્યા હતા. અને આજે સવારે કોંગ્રેસના મોરબી સીટના નિમાયેલા નિરીક્ષક અર્જુનભાઇ મોઢવાડીયા અને તેમની સાથે ધારાસભ્યો વિક્રમભાઇ માડમ, ચિરાગ કાલરીયા તેમજ લલિત વસોયા આવી રહ્યા છે. જેઓ તબક્કાવાર મોરબી શહેર તાલુકો, માળિયા (મીં) શહેર તાલુકાના આગેવાનો અને કાર્યકરોને મળી આવનારી ચૂંટણી વિશે માર્ગદર્શન પુરૂ પાડશે અને પત્રકારોને પણ મળશે.

આમ તો ગુજરાતમાં કુલ આઠ વિધાનસભાની સીટ પર પેટા ચુંટણીઓ યોજાશે. પરંતુ જો ગુજરાતભરમાં રાજકીય પક્ષો, મીડીયા સહિત રાજકીય જીજ્ઞાસુઓની સૌથી વધુ નજર રહેશે. તો તે હશે મોરબીની પેટા ચુંટણી પર!! કોણ જીતશે? કોણ હારશે? એ તો ચુંટણીના પરિણામથી જ ખબર પડશે. પરંતુ ચુંટણીમાં પોતાની તમામ તાકાત કામે લગાડવા બંને પક્ષો એડીચોટીનું જોર લગાવશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી!(

(1:06 pm IST)