Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

જુનાગઢ જિલ્લામાં ર૪ કલાકમાં કુલ પપ ઇંચ વરસાદઃ વિસાવદર અને મેંદરડા પંથકમાં આઠ ઇંચ ખાબકયો

બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત સર્વત્ર ખુશી

જુનાગઢ તા.૬ :  જુનાગઢ જિલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમિયાન પપ ઇંચ વરસાદ નોંધાયો અને સૌથી વધુ આઠ ઇંચ વરસાદ વિસાવદર અને મેંદરડા  પંથકમાં ખાબકતા પાણી પાણી થઇ ગયુ છે.

આજે બીજા દિવસે પણ જિલ્લામાં મેઘ મહેર યથાવત રહેતા સર્વત્ર ખુશી છવાઇ ગઇ છે.

ગઇકાલની  સવારથી જુનાગઢ જિલ્લામાં શરૂ થયેલી મેઘ સવારીએ લીલા લહેર કરી દીધા છે. રાત્રે પણ થાકયા વગર મેઘરાજાએ કૃપા વરસાવી હતી. અવિરત સવાર સુધી વરસાદ ચાલુ રહેતા સવારે પુરા થયેલા ર૪ કલાક દરમિયાન સૌથી વધુ આઠ ઇંચ વરસાદ વિસાવદર તાલુકામાં નોંધાયો હતો.

વિસાવદર સાથે મેંદરડા વિસ્તાર પર પણ મેઘો મહેરબાન થતાં સવાર સુધી મેંદરડામાં પણ આઠ ઇંચ પાણી પડયાનું નોંધાયુ હતુ.

રાત્રે જુનાગઢના ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહયો હતો. ગિરનાર અને દાતાર પર્વત ખાતે ભારે વરસાદથી પર્વત પરથી ઝરણા ધોધ વહેતા થઇ ગયા છે.

જુનાગઢમાં ર૪ કલાકમાં દરમિયાન ૧૧૪ મી.મી. (૪ાા ઇંચ) વરસાદ  નોંધાયો છે.

જયારે કેશોદ ૭ ઇંચ, ભેંસાણ પાંચ ઇંચ, માંગરોળ ૩ાા ઇંચ, માણાવદર ૬ ઇંચ, માળીયા હાટીના ૩ ઇંચ, અને વંથલી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ જિલ્લામાં સાર્વત્રીક વરસાદને લઇ સવાર સુધીમાં ૧૩૬૬ મીમી (પપ ઇંચ) પાણી પડયાનું નોંધાયું હતુ.

જુનાગઢ જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત રહી સવારના ૬  થી ૧૦ દરમિયાન, કેશોદ ૧૦ મી.મી., જુનાગઢ ૪ મીમી,  મેંદરડા ૮ મીમી, માંગરોળ ૧ર મીમી, માણાવદર ૩૦ મીમી, માળીયા ૭ મીમી, વંથલી ૧૦ મીમી અને વિસાવદરમાં ર૧ મીમી વરસાદ નોંધાયો છે.

(1:03 pm IST)