Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગઇકાલે સવારની ઘટનાઃ બોલેરો કઇ રીતે તણાઇ તેનો વિડીયો વાયરલ થયો

ખોખડદળ પુલ પરથી બોલેરો સાથે તણાયેલા ભીખાનો હજુ પત્તો નથીઃ ફાયર બ્રિગેડે ફરી શોધખોળ આદરી

મરેલા ઢોર ઉપાડવાના કોન્ટ્રાકટર સુરેશ રાઠોડ સાથે આઠેક મહિનાથી કામ કરે છેઃ તણાયેલા યુવાનનું કોઇને પુરૂ નામ પણ આવડતું નથીઃ કુલ ત્રણ તણાયા'તા તેમાંથી બે બચી ગયા હતાં

રાજકોટ તા. ૬: રણુજા મંદિર નજીક ખોખડદળ નદી પર વેલનાથપરાના પુલ પરથી ગઇકાલે ધસમસતા પુરમાં બોલેરો પીકઅપ ગાડી તણાઇ ગઇ હતી. જેમાં ત્રણ યુવાનો હતાં. તે પૈકીના બે બચી ગયા હતાં. ત્રીજો ભીખા નામનો મજૂર યુવાન બોલેરો સાથે વહી ગયો હતો. જેનો આજ સવાર સુધી પત્તો ન હોઇ સવારે ફરીથી ફાયર બ્રિગેડની ટીમોએ બચાવ ટુકડી સાથે ઘટના સ્થળે જઇ શોધખોળ હાથ ધરી હતી.

 

લાતીપ્લોટ પાસે રોહીદાસપરામાં રહેતાં સુરેશ દુદાભાઇ રાઠોડને મરેલા ઢોર ઉપાડવાનો કોન્ટ્રાકટ હોઇ મરેલા ગાય-ભેંસનો નિકાલ કરવા ગઇકાલે સવારે તેનો ડ્રાઇવર ભાવેશ શશીકાંત રાઠોડ (ઉ.૩૦) નીકળ્યો હતો. સાથે બે મજૂરો પ્રકાશ ગોવિંદભાઇ ચાવડા (ઉ.૨૨) અને ભીખો (ઉ.૨૮) હતાં. કુવાડવાથી મરેલી ગાય ઉપાડી લાપાસરીમાં મરેલી ભેંસ લેવા ગયા હતાં. ત્યારે વેલનાથપરા પુલ પર પહોંચ્યા તે વખતે પાણીનો જોરદાર પ્રવાહ વહેતો હોઇ ચાલુ વરસાદે તેમાંથી બોલેરો હંકારતા આગળ જઇ ગાડી ફસાઇ ગઇ હતી. એ વખતે એક ટ્રક ત્યાં પહોંચ્યો હતો. બોલેરોમાં ફસાયેલા ત્રણેયએ તેમાંથી નીકળી બાજુના ટ્રકમાં જવા અને બચવા પ્રયાસ કર્યો હતો. ભાવેશ ટ્રકમાં ચડી ગયો હતો. પરંતુ ભીખો અને પ્રકાશ પાણીનો પ્રવાહ વધતા બોલેરો સાથે તપાઇ ગયા હતાં. આગળ જતાં પ્રકાશ પણ તરીને નીકળી ગયો હતો. પરંતુ ભીખો તણાઇ ગયો હતો. તેણે બોલરોમાંથી ટ્રકમાં ચડવા હેન્ડલ પણ પકડી લીધું હતું પણ છેલ્લી ઘડીએ હાથ છટકી ગયો હતો. સાંજ સુધી ફાયર બ્રિગેડની ટીમોએ તપાસ કરી હતી. પણ ભીખાનો પત્તો મળ્યો નહોતો. આજે સવારે ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તણાઇ ગયેલો ભીખો કોન્ટ્રાકટર સુરેશભાઇ સાથે આઠેક મહિનાથી રહીને મજૂરી કરે છે. તેનું પુરૂ નામ પણ સુરેશભાઇને આવડતું નથી. આજીડેમના પીઆઇ વી. જે. ચાવડા, કિશોરભાઇ, કનકસિંહ સોલંકી, કુલદીપસિંહ, ધર્મેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તસ્વીરમાં બોલેરો કઇ રીતે તણાઇ ગઇ તેના દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(11:42 am IST)