Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

સિરામિક ટાઇલ્સની મોંઘીદાટ ડિઝાઈન ચોરવાના કારસ્તાનનો પર્દાફાશ : ઉદ્યોગકારોએ તપાસ શરૂ કરી.

નામાંકિત કંપનીએ ઇટાલીથી મંગાવેલી ડિઝાઇન કંપનીનો ડિઝાઈનર જ ચોરી ગયો હોવાનું ખુલ્યું : ચોરાવ ડિઝાઇન ખરીદનાર ઉપર તવાઈ ઉતરશે

મોરબી : વિશ્વકક્ષાએ છવાઈ ગયેલા મોરબીના સિરામિક ઉદ્યોગમાં નામાંકિત કંપનીઓની એક્સક્લુઝીવ ડિઝાઇન ચોરવાનું દુષણ છેલ્લા થોડા સમયથી વકર્યું છે ત્યારે તાજેતરમાં મોરબીની મોટાગજાની કંપનીની ઇટાલીથી મંગાવેલી ડિઝાઈનો ચોરાઈને બજારમાં ફરતી થતા કંપનીના સંચાલકોએ વોચ ગોઠવી આ ડિઝાઇન ચોરનાર કંપનીના જ ડિઝાઈનરને ઓળખી કાઢી આગવી ટ્રીટમેન્ટ કરતા ચોરાઉ ડિઝાઇન ખરીદનાર અને કોપી કરનાર અનેકના નામ બહાર આવ્યા છે, જો કે, ડિઝાઈનર યુવાનની કારકિર્દી ન બગડે તે માટે હલતુર્ત પોલીસ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું છે.

સિરામિક ક્લસ્ટર મોરબી હવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આગવું સ્થાન ધરાવતું થયું હોવાથી વૈશ્વિક માર્કેટમાં ટકી રહેવા મોટી કંપનીઓ એક – એક ટાઇલ્સની ડિઝાઇન માટે રૂપિયા બે લાખથી લઈ પાંચ લાખ સુધીનો ખર્ચ કરે છે અને આ ડિઝાઇનના પટન્ટ પણ કરાવવામાં આવે છે આમ છતાં નામાંકિત કંપનીઓની ડિઝાઇન ચોરી કરવી કે કોપી કરવાનું દુષણ મોરબીમાં ખૂબ જ ફુલ્યુ ફાલ્યું છે. આ સંજોગોમાં તાજેતર મોરબીની નામાંકિત કંપનીની આવી લાખેણી ડિઝાઈનની ચોરી થઇ હતી ડિઝાઇન બજારમાં ફરવા લાગતા કંપનીના સંચાલકો સ્તબ્ધ બન્યા હતા.

 દરમિયાન ઇટાલીથી લાખો રૂપિયાના ખર્ચે મંગવાયેલ ડિઝાઇન બજારમાં ફરતી થઈ જતા નામાંકિત કંપનીના સંચાલકોએ ડિટેકટિવની જેમ કે ઝીણવટભરી તપાસ શરૂ કરી પોતાની કંપનીના કર્મચારીઓ ઉપર પણ બારીકાઈથી નજર રાખવાનું શરૂ કરતા એક શકમંદ ઓળખાઈ ગયો હતો જેને અસરકારક ટ્રીટમેન્ટ આપતા કંપનીના જ ડિઝાઈનર એવા યુવાને ડિઝાઇન ચોરી કર્યાનું અને જે જે ફેક્ટરીને ડિઝાઇન વેચી હતી તે સઘળી હકીકત ઓકી દેતા નામાંકિત કંપની દ્વારા આ મામલે સિરામિક એસોસિએશનને જાણ કરી ચોરાઉ ડિઝાઈનની કોપી કરનારા અને ડિઝાઇન ખરીદનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદથી લઈ ટ્રેડમાર્ક સહિતની કાનૂની કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.

નોંધનીય છે કે તાજા ભૂતકાળમાં અન્ય એક નામાંકિત મોટી કંપનીની ડિઝાઇન પણ આ જ રીતે ચોરી થઈ હતી. ત્યારે આવી હલકીવૃત્તિને પ્રોત્સાહન આપતી કેટલીક ફેક્ટરીઓને કારણે ડિઝાઇન ચોરવાનું દુષણ વકરતા આ પ્રશ્નનો કાયમી નિવડો લાવવા મોટી કંપનીઓ દ્વારા ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ ફરિયાદ કરવા પણ વિચારણા ચાલી રહી છે. જો કે આજના કિસ્સામાં ડિઝાઈનર યુવાનની કારકિર્દી ન બગડે તે હેતુથી હજુ સુધી કંપની સંચાલકો દ્વારા હજુ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જાણવા મળે છે.

(8:05 pm IST)