Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ફરજ દરમ્યાન મૃત્યુ પામનારા હેડ કોન્સ્ટેબલની સ્મૃતિમાં પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર દ્વારા કાફેને ખુલ્લું મુકાયું : મૃતકના પરિવારજનોને ૯ લાખનો ચેક અર્પણ

કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જમાં ફરજ બજાવી ગયેલા આઇ.જી. એ.કે. જાડેજાનું નિધન થતા તેઓની દિવંગત આત્માની શાંતિ માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ :  કચ્છ જિલ્લામાં પોલીસ ખાતામાં ફરજ બજાવનાર  મૂળ નીરોણાના અને ભુજ સ્થાઈ થયેલા પ્રવીણભાઈ ફુલીયા (ભાનુશાલી) કોઠારા વિસ્તારમાં આવતી ચેક પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા હતા તે દરમ્યાન રાત્રીના ભાગે અજાણી બાઈક આવતા બાઈક ચાલકોને રોકવાની સૂચના આપતા બાઈક ચાલકોએ બાઈક પુર ઝડપે હંકારતા બાઈકને પાછળથી રોકવાની કોશિશ દરમ્યાન બાઈકનો કેરિયર હાથમાં આવી જતા પ્રવીણભાઈ બાઈક સાથે ઢસડાઈ ગયા હતા. જેમાં તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં સારવાર દરમ્યાન તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમની સ્મૃતિમાં ભુજ મધ્યે પોલીસ પરિવાર દ્વારા કાફેની શરૂઆત કરાઈ હતી. આ અંગે આયોજિત કાર્યક્રમની શુરુઆતમાં કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જમાં ફરજ બજાવી ગયેલા આઇ.જી. એ.કે. જાડેજાનું નિધન થતા તેઓની દિવંગત આત્માંને શાંતિ માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી...

ત્યાર બાદ પશ્ચિમ કચ્છ પોલીસે સ્વર્ગસ્થ પ્રવિણભાઇની કાબિલેદાદ ફરજ પ્રત્યેની કામગીરીની કદરના ભાગરૂપે બોર્ડર રેન્જ આઇ.જી. જે. આર.  મોથલિયા, પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભસિઘ, જેઆઇસીના અધિકારી. એસ. ઓ.જી.ના અધિકારીઓ. એલ.સી.બી.ટીમ. તેમજ એ/બી ડિવિઝનના પોલીસ કર્મચારીઓ વગેરેની ઉપસ્થિતિમાં કાફેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું...
 સ્વર્ગસ્થ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ફુલીયા ભાનુશાલીના પરિવારને અન્ય પોલીસ કર્મચારીઓએ મદદ માટે એકઠા કરેલ ૯ લાખ રૂ.ની રકમનો ચેક તેમના પરિવારને આર્થિક સહયોગ રૂપે આપ્યો હતો...

આ કાફેનો પોલીસ કર્મચારીઓ, કોર્ટના કર્મચારીઓ, મીડિયા મિત્રો, તેમજ અહી આવનાર અરજદારો લાભ લઈ શકશે તો અહી સ્વર્ગસ્થ પ્રવીણભાઈ ફુલીયા ભાનુશાલીની યાદ આજીવન તાજી રહેશે તેવું એસ.પી. સૌરભસિંઘે જણાવ્યું હતું...
સ્વર્ગસ્થ પ્રવિણભાઇના પરિવાર વતી તેઓના દીકરી દ્વારા પોલીસ ખાતાની કામગીરીની કદર કરી આભાર માનતા કહ્યું હતું કે, પોલીસ ખાતું મારો પરિવાર છે અમને પોલીસ ખાત દ્વારા સહયોગ મળી રહ્યો છે અને આજે મારા પોતાશ્રીના નામના ઉલ્લેખ સાથે કાફે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેનાથી મારા પિતાશ્રીની અહી આજીવન યાદ તાજી રહેશે...

આ સમગ્ર કાર્યક્રમમા વિશેષ યોગદાન આપનાર અધિકારીઓમાં શ્રી બી.એમ. દેસાઈ (ના.પો. અધિક્ષક હેડ ક્વાર્ટર ભુજ), શ્રી આર.જે. રાતડા   (આર.પી.આઇ.), શ્રી જે.એમ. જાડેજા પૂર્વ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર જિલ્લા ટ્રાફિક ભુજ), એ.આર. ઝાલા (રીડર પી.એસ.આઇ.ભુજ), ઓ.એસ. શ્રી ભટ્ટી, વેલ્ફર ક્લાર્ક શ્રી આર.આઇ. ગોસ્વામી તેમજ લાઈન જમાદાર શ્રી લક્ષ્મણ રાવ, દિનેશ ચૌધરી તેમજ અન્ય સ્ટાફ સાથે રહ્યો હતો.

(10:14 am IST)