Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

મોરબી જીલ્લામાં કપાસની ખરીદી માટે દુરના તાલુકાઓમાં સેન્ટરો મંજુર કરવા માંગણી

મોરબી ,તા.૬:જીલ્લામાં કપાસની ખરીદી માટે દુરના તાલુકાઓમાં સેન્ટરો મંજુર કરવાની માંગ સાથે જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે સીસીઆઈ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં ટંકારા તાલુકામાં આવેલ શિવમ જીન અને લક્ષ્મીકાંત જીન બે જ કેન્દ્રો પર ખરીદી થઇ રહી છે.

મોરબી જીલ્લામાં તમામ તાલુકામાં બહોળા પ્રમાણમાં વાવેતર થયું છે અને ઉત્પાદન વધુ છે જેથી ટંકારા તાલુકા સિવાયના મોરબી, માળીયા, વાંકાનેર અને હળવદ તાલુકાના ખેડૂતોને ટેકાના ભાવે કપાસ વેચવા ફકત બે જીન પર જવું પડે છે ખેડૂતોને લાંબા અંતરને પગલે વાહનભાડું પોસાય તેમ નથી લોકડાઉનની સ્થિતિમાં વાહનમાલિકો વધુ ભાડું વસુલે છે જેથી સીસીઆઈ દ્વારા અન્ય કેન્દ્ર ચાલુ કરી ટેકાના ભાવે કપાસ ખરીદે તો સમસ્યા નિવારી સકાય છે જેથી યોગ્ય કરવા માંગ કરી છે. તેમ રજુઆતમાં જણાવાયું છે.

ટેકાના ભાવે ઘઉંની ખરીદીની માંગણી

જીલ્લા પંચાયત પ્રમુખે કિશોરભાઇએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનું નક્કી કરેલ તે માટે ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ છે મોરબી જીલ્લામાં ઘઉંનું વિપુલ ઉત્પાદન હોય અને ખુલ્લા બજારમાં ભાવ ૩૫૦ મળી રહ્યા છે જે ટેકાના ભાવ કરતા ખુબ ઓછા હોય જેથી ઘઉંની તાત્કાલિક ખરીદી ચાલુ કરવા આદેશ કરવા માંગ કરી છે.

શ્રમજીવીઓને તપાસ્યા વિના દવા અંગે રજુઆત

મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી અને કનૈયાલાલ નકુમ દ્વારા આરોગ્ય તંત્રને રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં આવેલ કામદાર વીમા યોજનાના દવાખાનામાં  શ્રમજીવીઓને તપસ્યા વગર જાતે દવાઓ લખી આપે છે અને તોછડું વર્તન કરવામાં આવે છે શ્રમજીવીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાનું રૂબરૂ મુલાકાત સમયે ધ્યાનમાં આવ્યું હતું.

(11:50 am IST)