Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

આવો નુરાની માહોલ રાષ્ટ્રની તાકાત બનશેઃ પૂ. મોરારીબાપુ

આ દેશ અમન જાળવી શકે છે, તેથી વિકાસના કદમ ઉપર છેઃ પૂ. દાદાબાપુ : સાવરકુંડલાના ફીફાદમાં મુસ્લિમ સમાજનો સમુહ શાદી ઉત્સવ યોજાયો

સાવરકુંડલાઃ તસ્વીરમાં ફીફાદમાં મુસ્લિમ સમાજનાં સમુહ શાદી ઉત્સવની ઝલક.

 

વેળાવદર-સાવરકુંડલા, તા. ૬ :. અમરેલી જિલ્લાના ફીફાદ ગામે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સમુહ શાદી ઉત્સવ ૪-૪-૧૮ને બુધવારે ધામધૂમપૂર્વક સંપન્ન થયો. ફીફાદના ધંતરશાહપીરનું સ્થાનક ઐતિહાસિક મહત્વ ધરાવે છે. મેઘાણીની લોકવાર્તાઓમાં પણ તેનો ઉલ્લેખ છે. આ સૂફી પીરનો ઉર્ષ મહોત્સવ પણ હતો. ૫૭ નવદંપતિઓએ નિકાહ રસમથી જોડાઈને નવજીવનમાં પગલા પાડયા. આ વિસ્તારના ૪૦થી પણ વધુ ગામડાના મુસ્લિમ સમાજના લોકો સમારોહમાં ભાગીદાર થયા. ભોજનના દાતા શ્રી મહમદભાઈ મોડા (મુંબઈ)નું સાફો બાંધી સન્માન કરાયુ. તેણે આવા શાદી સમારોહમાં કાયમી ભોજન દાતા બનવાની જાહેરાત કરી. જનમેદનીએ તેને વધાવી.

પૂ. સંતશ્રી મોરારિબાપુએ કહ્યંુ કે આવો નુરાની સદભાવપૂર્ણ માહોલ રાષ્ટ્રમાં જળવાઈ તો ભારત નવી તાકાત બની ઉભરી આવે. ફીફાદની આ ધરતી રાષ્ટ્રને નવો સંદેશો આપે છે. તેમણે ઉમેર્યુ મારે મન ઈશ્વર અને અલ્લાહમાં કોઈ ભેદ નથી. ગંગા અને ઝમઝમનું પાણી સમાન છે. પોતે ઝમઝમના પાણીના રોટલા ખાધાનો પણ ઉલ્લેખ કર્યો. આવા પવિત્ર કાર્યમાં પોતાની પ્રસન્નતા વ્યકત કરી 'તુલસી પત્ર' રૂપે કમિટિને રકમ પણ એનાયત કરી. સાવરકુંડલાના પીરે તરીકત સુફી સંત પૂ. દાદાબાપુએ દુનિયાના જે રાષ્ટ્રો વિવાદ અને સંઘર્ષ માર્ગે છે ત્યાં શાંતિ નથી. આ દેશ અમન જાળવી શકે છે. તેથી વિકાસના કદમ પર છે. આવા પ્રસંગો બચતની સભાનતા અને વ્યવસાયની સજાગતા શીખવે છે. કમિટિના સભ્યોને તેઓએ મુબારકબાદી આપી શ્રી મહેંદીબાપુ (મહુવા), દિલાવરબાપુ (અમરેલી) અને અનેક મૌલાના સંતોની હાજરી હતી.

કમિટીના સભ્યો શ્રી અલારખભાઈ બીલખિયા, અકબરભાઈ સૈયદ, અકબરભાઈ, બુખારી સાહેબ, સમાજ કલ્યાણ અધિકારી સૈયદ સા. વગેરેએ આયોજનને સફળ કરવા જહેમત ઉઠાવી હતી.

સુરતના દાતાશ્રી મહેશભાઈ સવાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, માયાભાઈ આહિર, વસંતદાસબાપુ હરિયાણી, કેતનભાઈ કાત્રોડિયા, ભા.જિ. આચાર્ય સંઘના મહામંત્રી શ્રી તખુભાઈ સાંડસુર વગેરે ઉપસ્થિત હતા. સંચાલન શિક્ષણકાર મનસુખપરી ગોંસાઈ એ કર્યુ હતું.(૨-૧૧)

(12:54 pm IST)