Gujarati News

Gujarati News

News of Friday, 6th April 2018

સોમનાથના જંગલ વિસ્તારમાં જંગલી ભૂંડ દેખાયુ

પાંચથી છ લોકો ઉપર હૂમલો કરી ઇજાગ્રસ્ત કર્યાઃ તાકીદે ભુંડને પકડવા લોક માંગ

પ્રભાસ-પાટણ તા. ૬: સોમનાથ મંદિરથી ત્રિવેણી સંગમ જતા રસ્તા ઉપર રામંદિર પાસે આવેલ જંગલ વિસ્તારમાં જંગલી ભૂંડે હાહાકાર મચાવેલ છે. જેમાં તે વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરી ગુજરાન કરતા ગીતા બહેન કરણગીરી (ઉ.વ.૫૦) તેના બાપુજીને મળવા જતા હતા ત્યારે દોડતુ આવેલ તે ભૂંડે તેની ઉપર હૂમલો કરી કપડા ફાડી લોહીલોહાણ કરી થાપાના ભાગે બટકુ ભરી મોટી ઇજા કરતા તેને વેરાવળ દવાખાને ખસેડવા પડેલ જયાં તેને ૩૧ ટાંકા આવેલ.

ત્રિવેણી રોડની ફૂટપાથ ઉપર સુતા અને ફુગ્ગાની દડીઓ વેંચી ગુજરાન કરતા બહારગામના ત્રણ છોકરાઓને આ ભૂંડે કરડી લોહીલોહાણ કરતાં તેઓ તો ગામ છોડી રવાના થઇ ગયા અને જંગલમાં જ વાલી-વારસ વગર રહેતો પાંગલે નામના છોકરાને ભુંડે પાછળથી ત્રાટકી માથાના પાછલા ભાગે ગંભીર ઇજા કરતાં માથે પાટો બાંધી દાવાકીય સારવાર લેવી પડેલ છે. આ ભૂંડને મોઢાના અગાલા ભાગે દાંતો મોઢાની બહાર નીકળતા હોઇ કોઇ તેને સુવર પણ ગણે છે. ભૂંડ પકડવા વાળા સરદારજીઓએ તેને પકડવા મહેનત કરતા તેને પણ બચકાં ભરી દેતાં તેઓ પણ કામ છોડી રવાના થયા છે.

આ ભૂંડની દોડવાની અને માણસો ઉપર હુમલો કરવાની ઝડપ અને છલાંગ ભલભલાને ફફડાટ ફેલાવે છે આ જંગલ એરીયામા માણસોને વસવાટ અને નજીક જ ત્રિવેણી તથા સ્મશાન જવાનો રસ્તો હોઇ પ્રવાસીઓ-યાત્રિકોની અવર જવર દિવસ-રાત રહે છે. માટે વન વિભાગે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે.

(11:39 am IST)