Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ભાવનગરના દિવ્યાંગ ખેલાડીએ વધાર્યું ગૌરવ :અલ્પેશ સુતરીયાએ આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં જીત્યો સિલ્વર મેડલ

હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા અલ્પેશ સુતરીયા અને તેમના પત્ની સંગીતાબેન સુતરીયા બંને આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ઈજીપ્ત ખાતે ભાગ લીધો .

ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા અલ્પેશ સુતરીયા અને તેમના પત્ની સંગીતાબેન સુતરીયા બંને આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ઈજીપ્ત ખાતે ભાગ લીધો હતો, જેમાંથી અલ્પેશ સુતરીયા ફાઈનલ મેચમાં ખૂબ જ રસાકસી બાદ દ્વિતીય સ્થાન મેળવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અલ્પેશભાઈ 80 ટકા દિવ્યાંગતા ધરાવે છે અગાઉ તેઓ નેશનલ પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ પણ જીતી ચૂક્યા છે. નેશનલ કક્ષાએ અલગ અલગ ટુર્નામેન્ટમાં વિજેતા અલ્પેશ સૂતરિયા ઈજિપ્ત ખાતે રમાયેલ ઈન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દેશ વિદેશમાંથી લગભગ 23 જેટલા દેશોના ખલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

અલ્પેશ સૂતરિયા એ તા. 23થી 28 ફેબ્રુઆરી સુધી રમાયેલી મેચમાં કેટેગરી-1 માં ઈજિપ્ત, સાઉથ આફ્રિકા, ફ્રાંસ, કજાકીસ્તાન જેવા દેશના ખેલાડીઓને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઇનલ મેચમાં અલ્પેશ ભાઈએ 2-3 ના સ્કોરથી મેચ એક તબક્કે રસાકસી સર્જી દીધી હતી અને અંતિમ રાઉન્ડમાં અલ્પેશ ભાઈની હાર થઈ હતી, પરંતુ સિલ્વર મેડલ જીત્યાની ખુશી હતી.

(12:26 am IST)