Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

શિક્ષણને શ્રેષ્‍ઠ શિખરે પહોંચાડવા વિચાર મનન, મંથન અને જ્ઞાન ગોષ્‍ઠિ

ગુજરાત રાજય આચાર્ય સંઘનું ત્રિદિવસીય અધિવેશન ભોજદે ગીરમા સફળતાપૂર્વક સંપન્‍ન : ગુજરાત રાજયની ૨૫૦૦ માધ્‍યમિક શાળાના આચાર્યોએ ભાગ લીધો

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૬: ગીરના પાટનગર તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામે ગીરના જંગલના કુદરતી સૌંદયમાં ગુજરાત રાજય આચાર્ય સંઘનું ત્રિદિવસીય અધિવેશન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.સ્‍વામી ધર્મબંધુજીના શુભ હસ્‍તે દિપ પ્રાગટ્‍ય કરી શુભારંભ થયેલ અધિવેશનમાં ગુજરાત રાજયની ૨૫૦૦ માધ્‍યમિક શાળાના આચાર્યોએ ભાગ લીધો હતો.

ત્રણ દિવસના અધિવેશન દરમિયાન શિક્ષણને શ્રેષ્ઠ શિખરે પહોંચાડવા વિચાર મનન,મંથન કરી જ્ઞાન ગોષ્ઠી કરવામાં આવેલ,આ ઉપરાંત બાળકોમાં રાષ્ટ્રીય ભાવના પ્રજવલિત થાય,આદર્શ નાગરીકો બને તે માટે શિક્ષણ કાર્ય ઉપર ભાર મુકવા નિર્ણય કરવામાં આવ્‍યો,રાજયના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીડોરે વર્ચ્‍યુઅલ મીટીંગના માધ્‍યમથી સંબોધન કરી શાળા તથા શિક્ષણ કાર્યમાં અતિ ઉપયોગી પડતર પ્રશ્નોનું વહેલી તકે નિવારણ લાવવા આચાર્યોને ખાત્રી આપી અધિવેશનની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.અધિવેશનમાં સમાપન કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને તાલાલાના ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડે ગીર અને ગીરના જંગલની ઉપયોગીતાથી સૌને અવગત કરી બાળકોમાં પર્યાવરણ પ્રત્‍યે જાગૃતિ લાવવા આચાર્યોને અનુરોધ હતો,શિક્ષણને સરળ બનાવવા અને આજના આધુનિક યુગ પ્રમાણે ટેકનોલોજી માટે ઉપયોગી વિવિધ કંપનીઓ દ્વારા ૪૦ જેટલા સ્‍ટોલ ઉભા કરવામાં આવ્‍યા હતા. અધિવેશનના પ્રારંભે આચાર્ય સંઘના પ્રમુખ જયપ્રકાશ પટેલે સ્‍વાગત પ્રવચન કરી સૌનું અભિવાદન કર્યું હતું,ત્‍યારબાદ તાલાલા નગરપાલિકા તથા ક્રિષ્‍ના સ્‍કૂલ-ગુંદરણ ગીરની કર્યો બહેનો દ્વારા પ્રાર્થના રજૂ કરી કુમકુમ તિલકથી સૌનું સ્‍વાગત કર્યું હતું,ગુજરાત રાજય આચાર્ય સંઘના ત્રિદિવસીય અધિવેશનમા મહત્‍વના ઠરાવો કરવામા આવ્‍યા હતા.જેમા સરકારમાં પેન્‍ડીંગ રહેલા પ્રશ્નોના ઉકેલ માટે ફરીને સરકારમાં રજૂઆત કરવી -આચાર્યને એક ઉચ્‍ચતર પગાર ધોરણ મળે છે તેના બદલે હવે બીજુ પગાર ધોરણ મળે -આચાર્યોને વેકેશનના ૧૫ દિવસનું એલાઉન્‍સ આપવામા આવે -આચાર્યોની સરકાર દ્વારા નવી ભરતી જૂન પહેલા કરવામા આવે -સ્‍કુલ ઓફ એક્‍સલન્‍સના લાભો આપવા -બોર્ડની પરિક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓનું કાઉન્‍સેલીંગ કરવું -શિક્ષક અને આચાર્યોએ દરેક સ્‍કુલમાં ૨૫-૨૫ વૃક્ષોનું વાવેતર કરી જતન કરવું વિગેરેનો સમાવેશ થાય છે.

 આ અધિવેશનમા ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના સીનિયર સદસ્‍ય ડો.પ્રિયવદનભાઈ કોરાટ, બોર્ડ મેમ્‍બર શ્રી ધીરેનભાઈ વ્‍યાસ, જશુભાઈ રાવલ, હસમુખ પટેલ, પૂર્વ બોર્ડ મેમ્‍બર શ્રી ભાનુભાઈ પટેલ,ભરતભાઈ ચૌધરી, આચાર્ય સંઘના વરિષ્ઠ અગ્રણી મહેન્‍દ્રભાઈ બાવડીયા સહિત શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા નામી-અનામી ધુરંધરો બહોળી સંખ્‍યામા ઉપસ્‍થિત રહ્યા હતા.ગુજરાતભરના લગભગ ૨૨૦૦ આચાર્યોએ અધિવેશનમા હોંશેહોંશે ભાગ લીધો હતો.

આ અધિવેશનમા મણીયારો રાસ તથા સીદી બાદશાહ ધમાલ નૃત્‍ય નિહાળી સૌ આનંદિત થયા હતા.

તાલાલા નગરપાલિકા હાઇસ્‍કુલના આચાર્ય અને ગુજરાત રાજય માધ્‍યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ સદસ્‍ય નરેન્‍દ્રભાઈ વાઢેરે ત્રણ દિવસના અધિવેશનની સંપૂર્ણ વ્‍યવસ્‍થા સંભાળી હતી.

ગુજરાત રાજય આચાર્ય સંઘના પ્રમુખ જયપ્રકાશ પટેલના નેતૃત્‍વ તળેᅠ યોજાયેલ ત્રિદિવસીય અધિવેશન સફળતાપૂર્વક સંપન્ન થયુ હતુ.

(1:19 pm IST)