Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ભરઉનાળે ‘તોફાની માવઠા'થી લોકો ધ્રુજી ગયા : પાકને નુકસાન

એકધારા ગાજવીજ અને પવનથી વાહનો થંભી ગયા : લોકો સલામત સ્‍થળે પહોંચી ગયા

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં જસદણ આટકોટ પંથક તથા ત્રીજી તસ્‍વીરમાં બગસરામાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર : કરશન બામટા - આટકોટ, નરેશ ચોહલીયા - જસદણ, સમીર વિરાણી - બગસરા)

રાજકોટ તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ગઇકાલે ભરઉનાળે ભયાનક માવઠુ' વરસતા અનેક જગ્‍યાએ પાણી પાણી થઇ ગયું હતું અને પાકને નુકસાન થયું છે. એકધારા ગાજવીજ અને પવનથી લોકોમાં ભય ફેલાઇ ગયો હતો અને વાહનો થંભી ગયા હતા અને લોકો સલામત સ્‍થળે પહોંચી ગયા હતા.

બગસરા

(સમીર વિરાણી દ્વારા) બગસરા : પંથકમાં બપોર બાદ સંખ્‍ય બફારો થતાં વરસાદી માહોલ છવાયો હતો. માવઠું થતાં સમગ્ર બગસરા તાલુકામાં પાણી ફરી વળ્‍યા હતા અને ઘઉં તથા જીરૂ, ધાણા સહિતના પાકોને નુકસાન થયું હતું. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ પંથકમા સાંજે વાતાવરણમાં પલટો આવતા મીની વાવાઝોડા જેવી પરિસ્‍થિતિ વચ્‍ચે તાલુકાના પાંચીયાવદર, સેમળા, ખરેડા વિસ્‍તારમાં ગાજવીજ સાથે અડધો ઇંચ વરસાદ વરસ્‍યો હતો.

ખેડુત અગ્રણી કનકસિંહ જાડેજાએ જણાવ્‍યુ કે કમોસમી વરસાદથી ચણા, ઘઉં, ધાણા અને જીરૂના પાકને મોટુ નુકસાન થયુ છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : આટકોટ, વીરનગર, ખારચીયા, જીવાપર સહિત વિસ્‍તારોમાં રાત્રે વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્‍યો હતો કરા સાથે વરસાદ પડ્‍યો હતો. લાઈટો ગુલ થઈ ગય હતી. ભારે પવન સાથે વરસાદ પડ્‍યો હતો. વાતાવરણ રાત્રે પલટો આવ્‍યો નવ વાગ્‍યે ચોમાસું જેવો માહોલ જોવા મળ્‍યો હતો. ધુળ ડમરીઓ ઉડી સાથે વરસાદ ખાબક્‍યો હતો રસ્‍તા પર પાણી વહી ગયા હતાં ખેડુતો મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો ખેતરમાં તૈયાર પાક ઢળી ગયો હતો.  હાઈવે પર પાણી ભરાયાં હતાં વાહન ચાલકો પરેશાન થયા હતા ભારે પવન કારણે વિજ પુરવઠો ખોરવાયો હતો. અડધી કલાક કુદરતી તાંડવથી લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્‍યો હતો. ખેતરમાં પાણી ભરાયાં હતાં

જસદણ

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ : જસદણ શહેર અને તાલુકા પંથકમાં રાત્રે ૮ વાગ્‍યાની આસપાસ જોરદાર પવન અને ધૂળની ડમરીઓ સાથે વરસાદ ખાબક્‍યો હતો કમોસમી માવઠાના ધોધમાર વરસાદ સાથે બરફના કરાનો પણ વરસાદ થયો હતો આ વરસાદને લીધે શહેરના નિચાણ વાળા વિસ્‍તારોમાં પાણીના પૂર આવ્‍યા હતા તો માવઠાને લીધે ઘઉં, જીરૂ ચણા જેવા વિવિધ પાકોમાં જોરદાર નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે આ ઉપરાંત પશુઓ માટેનો ચારો જુવારની કડબ ઘઉનુ કુવળ ચણાનુ ખારીયું મગફળીનો પાલો જેવા સુકા ઘાસચારાઓ પલળી ગયા હતા તે સડી જવાના ભયથી પશુપાલકો પણ મૂંઝવણમાં મુકાયા છે. ફાગણ મહિનામાં માવઠું થતા ખેડૂતો તથા પશુપાલકો ભારે મૂંઝવણ જેવી સ્‍થિતિમાં મુકાયા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા)  જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર - જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન ૨૦.૨ ડિગ્રી, મહત્તમ ૩૬.૬ ડિગ્રી, ભેજનું પ્રમાણ ૭૨ ટકા, પવનની ગતિ ૬.૭ કિ.મી. રહી હતી.

(11:33 am IST)