Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વડિયાની ગોવર્ધન ગૌશાળા દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે

 (ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા તા. ૬ : અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં ગૌમાતાની સેવા સાથે લોકસેવાની પ્રવૃતિઓ સાથે સંકળાયેલ એવા ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગૌશાળામાં ગૌસેવા, એમ્બયુલન્સ, અંતિમ રથની સેવા સાથે છેલ્લા બે વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવે છે.ગત વર્ષે કોરોનાના કપરા કાળમાં જે દીકરીઓના માતાપિતા મૃત્યુ પામ્યા હોય તેવી અગિયાર દીકરીઓને માતાપિતાનું હૂંફ આપી તેમના ધામધૂમ થી લગ્ન કરવામાં આવ્યા હતા. આ વર્ષે પણ તા. ૧૪ને મંગળવારના રોજ સર્વ જ્ઞાતિની અગિયાર દીકરીઓના સમૂહલગ્નનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ લગ્નમાં આ દીકરીઓને એકસોથી પણ વધુ ચીજ વસ્તુઓ કરીયાવર તરીકે આપવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદના પ્રવીણ તોગડીયા,પરબધામના કરસનદાસ બાપુ, ગોરખનાથ આશ્રમ ભવનાથના શેરનાથ બાપુ સહીત અનેક સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ કાર્યક્રમમાં હાજરી આપી પ્રભુતામાં પગલા પાડનાર નવ દંપત્તિઓને આશીર્વાદ આપશે.

આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે વડિયા ગામ સમસ્ત આગેવાનો અને કાર્યકરોની એક મિટિંગનુ આયોજન ગોવર્ધન ગૌશાળામાં કરવામાં આવેલ હતું. જેમા આગેવાનો અને કાર્યકર્તાઓને કામની ફાળવણી કરી આ કાર્યક્રમ ને સફળ બનાવવા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ત્યારે અગિયારમી એપ્રિલની સાંજના રોજ ગૌમાતાની સાક્ષીએ અગિયાર દંપતી ગોવર્ધન ગૌશાળામાં પ્રભુતામાં પગલા પાડશે તેવુ ઉમદા આયોજન ગોવર્ધન ગૌશાળા દ્વારા કરવામાં આવ્યુ છે. આ સેવાકીય ભગીરથ કાર્યમાં દાન આપવા માટે ગોવર્ધન ગૌશાળાના બેન્ક ઓફ ઇન્ડિયાના બેન્ક એકાઉન્ટ નંબર ૨૭૪૧૧૦૧૧૦૦૦૧૯૧૪, જેનો IFSC code BKID૦૦૦૨૭૪૧ માં કરી શકે છે. આ ઉપરાંત ગોવર્ધન ગૌશાળા વાડીયાના મનીષભાઈ ઢોલરીયા -૯૭૨૪૧૩૧૨૧૨ પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

(11:05 am IST)