Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

નકલી સોનાના નામે અનેક ઠગાઈ કરી ચૂકેલા ભુજના બે કુખ્યાત ઠગ અબ્દુલ બજાણીયા અને સુલતાન સામે ૧૦ લાખની ઠગાઈની ફરિયાદ

ગાંધીધામના વેપારી સસ્તા સોનાની લાલચમાં ફસાયા, પહેલા સાચું સોનુ આપી બાદમાં રૂપિયા લઈ હાથ ઊંચા કર્યા

સૌરાષ્ટ્ર અને કચ્છમાં સસ્તા સોનાની લાલચમાં પોતાની મહેનતની રકમ ગુમાવનારાઓના કિસ્સામાં વધુ એક ઉમેરો થયો છે. લોકોની લાલચનો લાભ લેનારા ભુજના બે કુખ્યાત ઠગો એ ગાંધીધામના વ્યાપારીને ૧૦ લાખ રૂ.નો ચુનો ચોપડતા આ અંગે ઠગાયેલા વ્યાપારી ઇશ્વરસિંગ જગદીશચંદ્ર સોની (ઉ.૪૮) એ ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગાંધીધામના રવિન્દ્ર ગર્ગ અને અઝીમ બાફણ નામના વ્યકિતઓએ ફરિયાદી ઇશ્વરસિંગ ને સસ્તા ભાવે સોનુ મેળવવાની લાલચ આપીને ભુજના અબ્દુલ બજાણીયા તેમ જ સુલતાન સાથે મેળાપ કરાવ્યો હતો. ઠગ અબ્દુલ બજાણીયાએ પોતાનો દુબઈમાં સોના નો વ્યાપાર હોવાનું જણાવીને ઇશ્વરસિંગને પ્રથમ વખતની દિલમાં રૂપિયા ૬ લાખ લઈને સોનાના બે બિસ્કિટ આપ્યા હતા. જે ખરા નીકળતા ઇશ્વરસિંગ ને ૪૮ લાખ રૂ.માં બે કિલો સોનુ ખરીદવાની લાલચ આપીને ઠગો એ ૧૦ લાખ રૂ.એડવાન્સ લીધા હતા. બાદમાં સોના ની ડિલિવરી ઇશ્વરસિંગના વતન હરિયાણા અને દિલ્હીમાં આપવાની વાત કરી ગોળ ગોળ ફેરવી વધુ રૂ.આપવાની વાત કરાઈ હતી. જોકે, ઇશ્વરસિંગએ પહેલા સોનુ મળે પછી જ રૂ.આપવાની વાત કર્યા બાદ આ ઠગો ના ફોન બંધ થઈ ગયા હતા. પોતે ઠગાયાનો અહેસાસ થતા અંતે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કુખ્યાત ઠગ અબ્દુલ બજાણીયા પોલીસ કર્મીના પુત્રના લગ્નમાં ફાયરિંગ કરવાના કેસમાં આરોપી રહી ચુકયો છે. આજે તેના પુત્રના લગ્ન છે ત્યારે પોલીસ આ કુખ્યાત ઠગ વિરુદ્ઘ શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું.

(1:13 pm IST)