Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

હળવદમાં ૧૦ વર્ષના પુત્રને માતાએ કીડની આપી પુત્રને નવજીવન બક્ષ્યુ

''માતે મા બીજા વગડાના વા'' આખરે એ ઉકિત સાર્થક થઇ : શાળા આરોગ્ય તપાસણીમાં બાળકની કીડની ફેઇલ હોવાનું ખુલેલ

હળવદની શાળામાં ધોરણ-પમાં અભ્યાસ કરતા માત્ર ૧૦ વર્ષની ઉંમરના વ્હાલસોયા પુત્ર ઉતમની કિડની ફેલ થતા માતાએ પોતાના પુત્રને ઉતમ  બનાવવા કિડની આપી પુત્રને નવજીવન બક્ષ્યુ છે. તસ્વીરમાં પુત્ર સાથે માતા પિતા નજરે પડે છે.

હળવદ તા.૬ : અહીંની એક ખાનગી શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની એક કીડની ફેઇલ હોવાની જાણ થતા ૧૦ વર્ષના દિકરાની જીંદગી બચાવવા માટે માતાએ પોતાની કીડનીનું દાન કરીને બાળકને ફરીથી નવજીવન મળતા પરીવારજનો અને આડોશ પાડોશમાં આનંદની લાગણી ફેલાઇ છે.

ઉમા સોસાયટીમાં રહેતા અને મુળ મોરબી જીલ્લાના માળીયા તાલુકાના ભાવપર ગામના નરેન્દ્રભાઇ બાવરવા હળવદમાં ગેરેજ ચલાવીને કુટુંબનું ભરણપોષણ કરે છે.તેઓનો નાનો પુત્ર નામે ઉતમ ધોરણ પાંચમાં એક ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. પરંતુ તેને અચાનક જ ખોરાક ઘટી ગયો, થાક લાગવા લાગ્યો, શરીર ફીકકુ પડવા લાગ્યું જેવા ચિન્હો જણાતા પરિવાર ચિંતીત બન્યો હતો.

બરોબર આજ સમયે શાળા આરોગ્ય ચકાસણીમાં ઉતમની બીમારી તાલુકા હેલ્થ ઓફીસરને ધ્યાને આવી હતી. તાલુકા હેલ્થ ઓફીસર ડો.ભાવિની ભટ્ટ, ડો.ચાંદની કગથરા, બ્લોક હેલ્થના વહીવટી અધીકારી નરશીભાઇ પ્રજાપતિ દ્વારા બાળક ઉતમને ઉતમ સારવાર અને તે પણ ખૂબ જ ઝડપથી મળે તેવા પ્રયત્નો શરૂ કરીને રૂપીયા ર૦ થી રપ લાખના ખર્ચે થતુ ઓપરેશન પણ સરકારી સહાયથી કરાવી અને મધ્યમ પરિસ્થિતી ધરાવતા પરિવારને દર મહીને પ૦૦૦નો દવાનો ખર્ચ પણ ગુજરાત સરકાર તરફથી અપાયો છે.

આમ ખેલવા-કુદવાની અને અભ્યાસ કરવાની ઉંમરમાં બાળ ઉતમને પોતાની માતા જાગૃતિબેન તરફથી પોતાની એક કીડની આપવાનું નકકી થયું અને માતા જાગૃતિબેને મા તે મા બીજા વગડાના વા એ કહેવતને સાર્થક કરીને પોતાના વ્હાલસોયા બાળકઉતમને કીડની આપીને સંસારમાં માંની જે કરૂણા, ત્યાગ અને મમતાની ગાથા ગવાય છે એને સાર્થક કરીનેતેઓના જીવનમાં નવી ખુશી અને નવી ઉંમગની પ્રાપ્તી કરી છે.

(11:51 am IST)