Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

ભાવનગરમાં સીએએના સમર્થનમાં ર કિ.મી. લાંબા તિરંગા સાથે વિરાટ રેલી

ઢોલ-નગારા-ડીજેનાં તાલે અભુતપુર્વ માહોલઃ સ્વૈચ્છીક બંધ પાળીને વેપારીઓ જોડાયાઃ જીતુભાઇ વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે તથા સંતો-મહંતોની ઉપસ્થિતી

ભાવનગર : આજે વિરાટ જન સમર્થન રેલી નીકળી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી -ભાવનગર)

 ભાવનગર તા. ૬ :.. ભાવનગરમાં આજે સીએએ નાં સમર્થનમાં વિરાટ રેલી નીકળી હતી. બે કિલો મીટર લાંબા તીરંગા સાથેની યાત્રાએ આકર્ષણ જમાવ્યુ હતું. રેલીને અનુસંધાને સ્વૈચ્છીક બંધ પાળી વેપારીઓ પણ રેલીમાં જોડાયા હતાં. ઢોલ-નગારા ડી. જે. ના તાલે અભુતપુર્વ માહોલમાં રેલી નીકળી હતી. બે મંત્રીઓ, પ્રદેશ પ્રમુખ આગેવાનો, સંતો વિગેરે રેલીમાં જોડાયા હતાં.

રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા સીએએ કાયદાને સમર્થન આપવા ભાવનગરમાં આજે વિરાટ રેલીનું આયોજન કરાયુ હતું રેલી માટે શહેરમાં ઠેરઠેર બેનરો, સુશોભન, ધજાપતાકા, દ્વારા દેશભકિતનું અભુતપુર્વ વાતાવરણ ઉભુ કરાયુ હતું. રેલીમાં પ૦ હજાર લોકો જોડાયા હોવાનું રાષ્ટ્રીય એકતા મંચનાં સંયોજક ભરતસિંહજી ગોહીલ અને ડો. ગીરીશ વાઘાણીએ જણાવ્યું હતું.

રેલીને અનુસંધાને શહેરની બજારો અડધો દિવસ સ્વૈચ્છીક બંધ રહી હતી. ચિત્રા ઇન્ઙ એસો. સભ્યો, ચેમ્બર, શિપબ્રેકીંગ, વકીલ મંડળ, બિલ્ડર એસો. ભાદેવાની શેરી, એમ. જી. રોડ, વિગેરે બજારો અડધો દિવસ બંધ રહી હતી. રેલીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મંત્રી વિભાવરીબેન દવે તેમજ સંતો, મહંતો, આગેવાનો અને હજારો નાગરીકો જોડાયા હતાં. દેશ ભકિતનાં ગીતો, રંગબેરંગી કમાનો, વેશભુષા, નગારા, અને ડી. જે. સાથે નીકળેલી રેલીમાં બે કિલો મીટર લાંબો તીરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

રેલીને અનુસંધાને પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો હતો. ભાવનગર રેન્જ ડીઆઇજીની સીધી દેખરેખ હેઠળ એસ. પી., ડીવાયએસપી, ૧પ પી. આઇ., ૩૦ પીએસઆઇ અને હોમગાર્ડ સહિત ૧૧૦૦ પોલીસ કર્મચારીઓ રેલી દરમ્યાન બંદોબસ્તમાં જોડાયા હતાં. રેલીનું વીડીયો ગ્રાફી કરાયુ હતું. શહેરની વિવિધ સંસ્થાઓ રેલીમાં જોડાઇ હતી.

મુસ્લીમ વિસ્તારોને રૂટમાંથી બાકાત રખાયા

ભાવનગરમાં આજે વિરાટ જનસર્મથન રેલી નીકળી હતી. રેલી ને કારણે બજારોએ અડધો દિવસ સ્વૈચ્છીક બંધ પાળ્યો હતો. જો કે રેલીના રૂટમાંથી મુસ્લીમ વિસ્તારોને બાકાત રાખવામાં આવ્યા હતાં.

(11:29 am IST)