Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ચોટીલામાં તસ્કરરાજ બે દિવસમાં ૧૧ મકાનમાં ચોરી : લાખોના દાગીના રોકડની ચોરી

રવિવાર ૯, મંગળવારના ધોળે દિવસે ૨ જગ્યાએ ચોરીથી કાયદો વ્યવસ્થા અંગે ઉઠયા સવાલ

ચોટીલા તા. ૬ : શહેરમાં એક સાથે નવ મકાનનાં તાળા તોડી લાખોની મતાની ચોરીનાં સગડ મેળવવા પોલીસ ફાફા મારે છે ત્યાં મંગળવારનાં હાઇવે નજીકનાં બે વિસ્તારનાં બે મકાનમાં દિન દહાડે લાખોનાં દાગીનાં સાથે રોકડની ચોરી થતા લોકોમાં ફફડાટ સાથે તસ્કરોનો ભય ફેલાયો છે.

બંન્ને બનાવની જાણવા મળતી વિગત મુજબ હાઇવે નજીક યાર્ડ પાછળ શરમાળીયાની ડેરી નજીક રહેતા જશુભા ઝાલા નાં બંધ મકાનમાં કોઇ શખ્સોએ તાળા ખોલીને ઘરમાં ૯ હજાર રોકડા અને દાગીનાં મળી આશરે ૧૨ થી ૧૫ હજારની ચોરી કરેલ છે બીજો બનાવઙ્ગયાર્ડ સામે યોગી નગર વિસ્તારમાં યાર્ડમાં અનાજનો ધંધો કરતા રબારી રાણાભાઇ પોલાભાઇ ઘાઘળ પત્ની રથીબેન સમાજમાં મરણનો પ્રસંગ બનતા ઘર બંધ કરી નેસડામાં બપોરનાં ૧૨ વાગ્યાનાં અરસામાં ગયેલ હતા અને ૨ વાગ્યા આસપાસ પરત આવતા મુખ્ય દરવાજાનું તાળુ ખોલી ઘરમાં પ્રવેશતા સામેનાં બંન્ને રૂમોનાં તાળા તુટેલ હતા લાકડાનાં કબાટમાં રહેલ બેગ, ડબ્બો સહિતની વસ્તુઓ રફેદફે જોતા ચોરી થયાની જાણ થતા પરીવારનાં લોકોને જાણ કરી પોલીસને જાણ કરતા બીટ જમાદાર વિજયસિંહ સોલંકી સહિતનાં દોડી ગયેલ હતા.

રહેણાક વિસ્તારમાં દિન દહાડે તસ્કરોની હિમંતથી મોટી રકમની કરેલ ચોરીની મોડસ ઓપરેન્ડી જોતા બંધ મકાનની બાજુનાં વાડાની નીચી દિવાલ ઠેકી ધરમાં પ્રવેશ કરી ઘરનાજ રસોડામાં રહેલ દસ્તા વડે રૂમનાં તાળા નકુચા તોડી કબાટમાં રહેલ સોનાનાં દાગીના આશરે ૨૦ તોલાનાં, રોકડા રૂ. ૬૦ હજાર ની અજાણ્યા ઇસમો ચોરી કરી બહારની સાઇડ ખુલતા રૂમનાં દરવાજાથી નિકળી ગયેલ છે જેથી એક કરતા વધુ વ્યકિત આ ચોરીમાં સામેલ હોવાની શકયતા જણાય છે.

ચોરીનો ભોગ બનનાર રથીબેન જણાવેલ કે ચાંદીનાં ૩ છડા ની જોડ અને સોનાનાં દાગીનામાં ૧ હાર ૩ તોલા, ૧ હાર ૪ તોલા, ૧ કડલુ ૪ તોલા, એક એક તોલાની ૪ વીટી, ૧ તોલાની બુટી જોડ ૧, સેર ૧ તોલાની, ચાંદલો - ટીકો ૧ મળી આશરે ૨૦ તોલાનાં દાગીનાં તેમજ ૬૦ હજાર રોકડા લઇ ગયેલ છે તેમજ અન્ય ચાંદીનાં દાગીનાં સાથે હતા તે છોડી દિધેલ છે.

ચોટીલામાં રવિવારનાં એક સાથે નવ મકાનનાં તાળા તુટેલ ત્યા ફરી ધોળે દિવસે મોટી રકમની ચોરી થતા તસ્કર રાજ થી લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે યાત્રાધામમાં મજબુત કાયદો વ્યવસ્થા સંભાળી શકે તેવા કાર્યદક્ષ પોલીસ અધિકારી મુકવાની માંગ ઉઠી છે.

પોલીસ ને પડકારતા બપોરનાં બનાવ અંગે હજુ સુધી કોઇ ગુનો દાખલ થયેલ નથી. જયારે ચોરી અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થાનિક પોલીસને કેમ આટલી ચોરી થાય છે નાઇટ પેટ્રોલીંગ કરો, ગુનાઓ નું ડીટેકશન કરો જેવી કડક સુચનાઓ આપેલ હોવાનું બેડામાં ચર્ચાય છે. (૨૧.૧૯)

(3:48 pm IST)