Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

કોડીનારના છારા ગામે ધમકાવતા પરપ્રાંતીય મજુરોની હિજરતઃ સરપંચ સહિતના લોકો સામે પોલીસ ફરીયાદ

કોડીનાર, તા., ૬: છારા ગામે શાપુરજી પાલનજી કંપનીના સાઇડ ઉપર કામ કરતા પરપ્રાંતીય મજુરોને હાંકી કાઢી ગામના મજુરોને કામ ઉપર રાખવાના મુદ્દે ગામના સરપંચ સહીતના ૧પ થી ૧૬ જેટલા શખ્સોએ કંપનીની લેબર કોલોનીમાં ધસી જઇ પરપ્રાંતીય મજુરોના રૂમોમાં પ્રવેશી મજુરોને ભાગી જવા ધમકીઓ આપી કંપનીના અધિકારી અને સિકયોરીટીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે અને પરપ્રાંતીય મજુરો ઉપર હુમલાની ઘટનાથી ૧પ૦ જેટલા મજુરો ભયના માર્યા છારા ગામે કંપનીની લેબર કોલોની છોડી કોડીનાર શહેરમાં હિજરત કરી જતા આ ઘટનાથી ભારે ચકચાર મચી છે.

આ ઘટના અંગે શાપુરજી પાલનજી કંપનીની પેટા કંપની એફકોનમાં સિકયોરીટી તરીકે કામ કરતા જીતેન્દ્રભાઇ દાનાભાઇ પરમારે કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ છારા ગામે કંપનીમાં પરપ્રાંતીય મજુરો કામ કરતા હોય મજુરોને રહેવા માટેની લેબર કોલોનીમાં ૧પ૦ જેટલા પરપ્રાંતીય મજુરો તેઓના રૂમમાં હતા તે વખતે છારા ગામના સરપંચ ભરતભાઇ રૈયાભાઇ ચુડાસમા, બીજલ પુંજા ચુડાસમા, નાથા લાખા ચુડાસમા, કરશન લાખા ચુડાસમા, દિનેશ લાખા ચુડાસમા, ભુપત પુના કોળી, સંજય રમેશ ચુડાસમા, દિનેશ બાલુ વંશ, રસીક ભુપત વંશ, પ્રવીણ ભીમા ચુડાસમા, સુખદેવસિંહ દરબાર અને અન્ય પ થી ૬ જેટલા અજાણ્યા શખ્સો સહીતના ૧પ થી ૧૬ જેટલા માણસોના ટોળાએ લેબર કોલોનીમાં ધસી આવી સરપંચ ભરતભાઇએ આ કંપની ગામની સીમમાં આવેલી છે અને મજુરો ગામના જ રાખવાના છે અને તમે કેમ પરપ્રાંતના મજુરોને લાવીને કામ કરાવો છો તેમ કહી સિકયોરીટી ગાર્ડ જીતેન્દ્રભાઇ પરમાર અને ભીખાભાઇ ઝાલાને ધક્કો મારી ગાળો દઇ આડા આવશો તો પતાવી દઇશું કહી લેબર કોલોનીમાં ઘુસી જઇ પરપ્રાંતના મજુરોના રૂમોમાં પ્રવેશી મજુરોને ગાળો આપી કામ છોડી ભાગી જવા ધમકીઓ આપી મજુરોને રૂમો ખાલી કરાવતા દેકારો મચતા કંપનીના અધિકારીશ્રી વાસ્તવ અને અન્ય સ્ટાફ દોડી આવી ટોળાને સમજાવવા પ્રયત્નો કરવા છતાં આ ટોળાએ તેમને પણ ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી કંપની ચલાવવી હોય તો મજુરો ગામના જ રાખવા અને કોન્ટ્રાકટના કામો પણ ગામવાળાને જ આપવા નહિતર કંપનીનું કામ ચાલવા નહી દઇ જે કોઇ કામ કરવા આવશે તેને મારીને ભગાડી મુકવાની ધમકી આપી ટોળું જતુ રહયાની ફરીયાદ નોંધાવતા પોલીસે આ અંગે કલમ ૧૪૩, ૧૪૭, ૩ર૩, પ૦૪ અને પ૦૬ (ર) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (૪.૨)

(11:42 am IST)