Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

૧૮મીથી વિરપુર (જલારામ)માં પૂ. મોરારીબાપુની રામકથા

પૂ. જલારામબાપાએ શરૂ કરેલ અન્નક્ષેત્ર-સદાવ્રતને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા ભવ્ય આયોજનઃ પૂ. જલારામબાપા પરિવાર દ્વારા તડામાર તૈયારી

 વિરપુર (જલારામ), તા. ૬ :. શ્રીરામભગત શ્રી જલારામબાપા અને માતુશ્રી વિરબાઈ માંએ અન્નક્ષેત્ર ચાલુ (સદાવ્રત) કરેલ હતુ તેને ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

તેની ઉજવણીના ભાગરૂપે તા. ૧૮થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ દરમ્યાન પૂ. જલારામબાપાના વિરપુરની પવિત્ર ભૂમિમાં પ.પૂ. શ્રી મોરારીબાપુના સ્વમુખેથી શ્રીરામકથાનો મંગલ અવસર જે દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે પૂ. જલારામબાપાના પરિવાર દ્વારા શ્રીરામકથાનો જલારામ બાપાની જગ્યાના ગાદિપતિ પૂ. શ્રી રઘુરામબાપા તેમના નાનાભાઈ ભરતભાઈ ચાંદ્રાણી તથા સમસ્ત જલારામબાપા, ચાંદ્રાણી પરિવાર તેમજ સમસ્ત વિરપુરના દરેક જ્ઞાતિના વેપારી, આગેવાનો, સંસ્થા, ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તેને આખરીઓપ અપાઈ રહ્યો છે.

'દેને કો ટુકડા ભલા, લેનો કો હરી નામ'... પૂ. જલારામબાપાના આ મહામંત્રને સાર્થક કરતો આ રૂડો અવસર વિરપુરના આંગણે આવ્યો છે, ત્યારે ભજન અને ભોજનનો લાભ લેવા સમસ્ત પૂ. જલારામબાપાના પરિવાર દ્વારા દેશ-વિદેશ તથા રાજ્યના દરેક પૂ. જલારામબાપાના ભકતો, દરેક પરિવારજનોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે. વિરપુરના આંગણે આવો સરસ રૂડો અવસર આવ્યો છે, ત્યારે વિરપુરના ગામલોકો, ખેડૂતો, વેપારી તથા દરેક સંસ્થા દ્વારા વિરપુરની બજારો, દરેક રાજમાર્ગો તથા દરેક ચોકને ધજા-પતાકા, લાઈટ, ડેકોરેશનથી શણગારવામાં આવશે. પૂ. જલારામબાપાની આ પવિત્ર ભૂમિ વિરપુરમાં ૨૦૦ વર્ષ પહેલા માતુશ્રી વિરબાઈમાં અને પ.પૂ. જલારામબાપાએ ગુરૂ ભોજલરામ બાપાના આશિર્વાદથી અન્નક્ષેત્ર (સદાવ્રત) શરૂ કરેલ તેને ૨૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને આજે પણ હજારો યાત્રાળુ, સાધુ-સંતો, પ્રસાદ-ભોજનનો લાભ લઈ રહ્યા છે. આજે પણ પૂ. જલારામબાપાના મંદિરે એક પણ રૂપિયો દાન-સોગાદ સ્વીકારવામાં નથી આવતી.

(11:56 am IST)