Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

ભવના ફેરા ભાંગવા માટે કચ્છની ધરા પર મહાન સેવાયજ્ઞ ચાલી રહ્યા છેઃ પૂ.પારસમુનિ

વાંકી તીર્થ, નંદી સરોવર, બિદડા, પુનડી આશ્રમ, વિરાયતન, ૭૨ જિનાલયમાં પૂ.ગુરૂદેવની પધરામણીઃ સંત- સતીજીઓ સાથે મિલન

રાજકોટ,તા.૬: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના  શિષ્યરત્ન સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા. કચ્છની ધીંગીધરા પર પ્રથમવાર પધાર્યા. તા.૩ના વાંકીતીર્થથી અહિંસાધામ (એન્કરવાલા) પધાર્યા. પ્રાગપુર અહિંસાધામમાં પશુઓની સેવા બદલ ટ્રસ્ટીગણને ધન્યવાદ અને શુભાશિષ પાઠવ્યા. ગાય એ તો ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. અહિંસાધામ દ્વારા નિર્મિત ૩૫ એકર જગ્યામાં નિર્માણ પામેલ નંદીસરોવર અને ૬૦૦ એકરમાં ગૌશાળાનું નિરિક્ષણ કર્યું. નંદીસરોવર પધારનાર પૂ.ગુરૂદેવ પ્રથમ સંત છે.

નંદી સરોવરથી બિદડા સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલ પધાર્યા. હોસ્પિટલમાં પાંચ ઉપાશ્રય છે. જેમાં જૈન સાધુ- સાધ્વી અશાતાવેદનીયના ઉદય સમયે ત્યાં શાતાપૂર્વક આચાર- વિચારના પાલન પૂર્વક રહી શકે. તા.૫ના ત્યાં અચલ ગચ્છાધિપતિ પૂ.ગુણોદયસાગર, આચાર્ય પૂ.વિરભદ્રસૂરિશ્વરજી, માનવમંદિર પ્રણેતા પૂ.દિનેશચંદ્રજી સ્વામી તથા પૂ.સદ્દગુરૂદેવ શ્રી પારસમુનિ મ.સા.ની ઉપસ્થિતિમાં નૂતન ઉપાશ્રયનું ઉદ્ઘાટન થયું.

સર્વોદય ટ્રસ્ટની સેવા ભાવના અને સાધુ- સાધ્વી પ્રત્યેની વૈયાવચ્ચ ભાવના જોઈને સહજ પૂ.ગુરૂદેવે જણાવ્યુ કે સૌરાષ્ટ્રમાં પણ એક જૈનો દ્વારા સંચાલિત આવી હોસ્પિટલની જરૂર છે. જેમાં આયુર્વેદ, હોમયોપેથી, એલોપેથી, નેચરોપેથી, પંચકર્મ, એકયુપંચર, ફિઝયોથેરાપી, આદિ ટ્રીટમેન્ટ દરેકને મળી શકે. સૌરાષ્ટ્રના રાજકોટ વગેરે ક્ષેત્રોના શ્રાવકોએ આ હોસ્પિટલ જોઈને એકવાર આવુ ભવ્ય માનવસેવાનું કાર્ય કરવું  જોઈએ. જે સમગ્ર માનવજાત માટે આર્શીવાદરૂપ બને.

બિદડા માં પૂ.નીતાબાઈ મ.સ. આદિ તથા તપાગચ્છના પૂ.ભકિતરત્ન મ.સા.મળ્યા બિદડાથી પુનડી પધાર્યા. ત્યાં સમર્પણ આશ્રમમાં કચ્છ આઠ કોટિમોટી પક્ષ સંપ્રદાયના પૂ.તારાચંદમુનિ મ.સા., પૂ.પ્રશાંતમુનિ મ.સા., પૂ.સમર્પણમુનિ મ.સા., પૂ.ઉષાબાઈ મ.સ., પૂ.સંગીતાબાઈ મ.સ., પૂ.અંજનાબાઈ મ.સ. આદિનું મંગલ મિલન થયુ. પૂ.તારાચંદમુનિ મ.સા.ને વૈરાગ્ય દૃઢ ગોંડલ સંપ્રદાયના પૂ.જગદીશમુનિ મ.સા.થી થયેલ.

પુનડી આશ્રમથી વિરાયતન જખાણીયા પૂ.ગુરૂદેવ પધાર્યા. ત્યાં વિરાયતન વિદ્યાપીઠમાં બિરાજીત સાધ્વી શિલાપીજી, સાધ્વી સુમેધાજીનું મંગલમિલન થયુ. માનવસેવાની બે મહાન વિભૂતિઓ મળી હોય તેવું વાતાવરણ નિર્માણ થયું. પૂ.ગુરૂદેવ મનોર (મુંબઈ પાસે)ના જંગલમાં માનવ સેવાના મહાન કાર્યો કરે છે. તો સાધ્વી શિલાપીજી પણ બિહાર, કચ્છ, પાલીતાણા, નેપાળમાં માનવસેવાના મહાન કાર્યો કરે છે. પૂ.ગુરૂદેવને મળીને તેના કાર્યો જાણી સાધ્વી શિલાપીજીએ સહજ કહ્યુ કે આપ માનવસેવાના કાર્યો કરો છો, તે જાણી અતિ આનંદ થયો. કયારેક સાથે મળીને આ માનવ સેવાયજ્ઞમાં કાર્ય કરીશું.

વિરાયતનથી ૭૨ જિનાલય પધાર્યા. ૭૨ જિનાલય અચલગચ્છનું છે. અચલગચ્વછાધિપતિ પૂ.ગુણોદયસાગર તથા આચાર્ય પૂ.વિરભદ્ર સૂરિશ્વરજી તથા પૂ.રાજા મહારાજનું મંગલમિલન અને દર્શન થયા. સત્સંગ અને કચ્છની પાવન ભૂમિની અનેક રહસ્યમયવાતો જાણી પૂ.ગુરૂદેવને ખૂબ આનંદ થયો. અચલગચ્છાધિપતિએ ખૂબ આશિષ કૃપા પૂ.ગુરૂદેવ પર વરસાવી.

૭૨ જિનાલયથી માનવ મંદિર પધાર્યા. જયાં પૂ.દિનેશચંદ્રજી સ્વામીના દર્શન થયા. જેમણે માનવ મંદિરનું નિર્માણ કરી મહાન શાસન પ્રભાવના કરી છે. સંત- સતીજી માટે વૈયાવચ્ચ કેન્દ્ર બનાવ્યું.

કચ્છ આઠ કોટિ મોટી પક્ષના વડેરા પ્રવર્તિની પૂ.જયાબાઈ મ.સ., પૂ.લીલાવતીબાઈ મ.સ., પૂ.નિર્મળાબાઈ મ.સ., પૂ.વિમળાબાઈ મ.સ., પૂ.રશ્મિતાબાઈ મ.સ. લીંબડી અજરામર સંપ્રદાયના પૂ.પૂર્ણતાબાઈ મ.સ.આદિ ૧૫ ઠાણા સ્થિરવાસ બિરાજે છે. લીંબડી અજરામર સંપ્રદાયના પૂ.જયોતિપ્રભાબાઈ મ.સ.આદિ તથા પૂ.ધૃતિબાઈ મ.સ., પૂ.આરતીબાઈ મ.સ.આદિનું મંગલમિલન થયુ.

કચ્છનો આ વિસ્તાર પશુ અને માનવની સેવાનો ભેખધારી બનીને સંતો સજજનો- સાધકોનો છે. જયાં પગલે પગલે સેવા યજ્ઞો ચાલી રહ્યા છે. એક- એક સેવાધામને જોઈને એક- એકને ભૂલો તેવા સેવા કેન્દ્રો છે. હકીકતમાં આજે એવું લાગી રહ્યુ છે કે કચ્છ નથી જોયુ તેને કાંઈ જ નથી જોયુ. ફરવા માટે જ નહીં, પણ ભવના ફેરા ભાંગવા માટે કચ્છની ધરા પર મહાન સેવાયજ્ઞ ચાલી રહ્યા છેે. તેને દિમાગથી નહીં, દિલથી એકવાર જો જો હૃદય પરિવર્તન થઈ જશે.

(11:48 am IST)