Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કેશોદ પોલીસ લાઈન પાસે કચરાનાં ઢગલાં રોગચાળાને નોતરશે

(કિશોરભાઈ દેવાણી દ્વારા)કેશોદ તા.૫ : કેશોદના પટેલ રોડ પર આવેલ પોલીસ લાઈન આસપાસના વિસ્‍તારમાં શાકભાજીના પથારા વાળા અને ફેરિયાઓને કારણે કેશોદ પોલીસ સ્‍ટેશનનાં કર્મચારીઓ માટેનાં રહેવા માટેનાં ક્‍વાર્ટર આસપાસ કાયમી ધોરણે કચરાનાં ઢગલાં ખડકાતા ગંદકી ફેલાય છે ત્‍યારે ગંભીર રોગચાળો ફેલાવાની શકયતા વધી ગઈ છે. કેશોદ પોલીસ લાઈન આસપાસના વિસ્‍તારમાં શાકભાજીના ફેરિયાઓ દ્વારા બગડેલું શાકભાજી નાખવામાં નાખવામાં આવતાં આ વિસ્‍તારમાં રખડતાં ભટકતાં નધણીયાતા ઢોર અડ્ડો જમાવી દેતાં આવવા જવા માં આકસ્‍મિક ઘટનાઓ છાશવારે બનતી હોય છે ત્‍યારે કેશોદ પંથકમાં સુરક્ષા પૂરી પાડવા ખડેપગે રહેતાં પોલીસ કર્મીઓનાં પરિવારજનો રખડતાં ભટકતાં નધણીયાતા ઢોર ને કારણે સુરક્ષિત નથી.

ઉલ્લેખનીય છે કે કેશોદ નગરપાલિકાનો ઢોર પુરવાનો વાડો પોલીસ સ્‍ટેશન નજીક આવેલો હતો ત્‍યાં દુકાનો બનાવી દેવામાં આવી છે. કેશોદના પટેલ રોડ પર સબ ડિસ્‍ટ્રીકટ સિવિલ હોસ્‍પિટલ, પોલીસ લાઈન ઉપરાંત સરકારી શાળા આવેલી છે ત્‍યારે શાકભાજીના ફેરિયાઓ અને પથારાવાળા ને કારણે કાયમી ધોરણે ટ્રાફિક જામ ની સમસ્‍યાઓ, રખડતાં ભટકતાં નધણીયાતા ઢોર થી આકસ્‍મિક ઘટના બનવા ઉપરાંત રોમિયોગીરી નું દુષણ વ્‍યાપક પ્રમાણમાં હોય ત્‍યારે જવાબદાર તંત્ર દ્વારા કેશોદના પોલીસ લાઈનમાં રહેતાં પોલીસ કર્મીઓનાં પરિવારજનો અને શહેરીજનોનાં હિતમાં પગલાં ભરવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.

(1:39 pm IST)