Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

વિંછીયાના અમરાપુર ગામે બાળકને પતાવી દઇ લાશ ડેમમાં ફેંકી દેનાર હરેશ બે દિ'ના રિમાન્‍ડ પર

એક તરફી પ્રેમમાં પાગલ હરેશ ગાંભડીયાને પરણીતાએ મળવાની ના પાડતા તેના માસુમ પુત્રનુ અપહરણ કરી ગળેટુંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધો'તો

રાજકોટ, તા., પઃ વિંછીયાના અમરાપુર ગામે એક તરફી પ્રેમમાં પાગલ શખ્‍સને  મળવાની ના પાડતા પરીણીતાના ૪ વર્ષના  પુત્રનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દેનાર શખ્‍સને કોર્ટે બે દિવસના રિમાન્‍ડ પર  સોંપવા હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાના અમરાપુર ગામે નણંદને ત્‍યાં લગ્નમાં આવેલ બોટાદના સરવા ગામની પરીણીતા સુમીતાબેન બુધાભાઇ અણીયારાના ૪ વર્ષના ગુમ થઇ જતા વિંછીયા પોલીસને જાણ કરાતા પીએસઆઇ આઇ.બી.જાડેજા તથા ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરતા આ બાળકનું અપહરણ કરનાર હરેશ ભોપાભાઇ ગાંભડીયા (રહે. વીરવા, તા.જી. બોટાદ)ને ગણતરીના કલાકોમાં પકડી પાડી પુછપરછ કરતા તેણે જ બાળકનું અપહરણ કરી, મોઢે ડુચા સાથે ગળાટુંપો દઇ હત્‍યા કરી લાશ બોટાદના શેઇડા ગામના ડેમમાં ફેંકી દીધાનું કબુલાત આપતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ડેમમાંથી બાળકની લાશ બહાર કાઢી હતી.

દરમિયાન પકડાયેલ હરેશ ગાંભડીયાએ  એવી કબુલાત આપી હતી કે પોતે જેની હત્‍યા કરી તે બાળકની માતા સુમીતાબેનને એકતરફી પ્રેમ કરતો હતો. અને અવારનવાર સુમીતાબેનને આંતરી પ્રેમસબંધ રાખવાની માંગણી કરી હેરાન કરતો હતો. સુમીતાબેન અમરાપુર લગ્નમાં ગયાની જાણ થતા ત્‍યાં પાછળ ગયો હતો અને સુમીતાબેનને મળવા આવવાનું કહેતા તેણે ના પાડતા પોતે ઉશ્‍કેરાઇ જઇ તેના માસુમ પુત્ર પ્રકાશ (ઉ.વ.૪)નું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પકડાયેલ હરેશને રીમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે બે દિ'ના રીમાન્‍ડ મંજુર કર્યા હતા. વધુ તપાસ પીએસઆઇ જાડેજા ચલાવી રહયા છે.

(12:03 pm IST)