Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ઉનામાં ડોકટરની બેદરકારીની તપાસ કરીને પગલા લેવા માંગણીઃ મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર

ડોકટરો દ્વારા વસુલાતી મનસ્વી ફીઃ દર્દીના મોત બાદ ડીપોઝીટ પરત કરાતી નથીઃ માનવતા જરૂરી

ઉના, તા. ૫ :. શહેર મુસ્લીમ સમાજ દ્વારા જીલ્લા કલેકટર તથા જીલ્લા તાલુકાનાં ઉચ્ચ અધિકારીને લેખીતમાં ડો. વઘાસીયાની સારવારમાં બેદરકારીની તપાસ કરી પગલા લેવા રજૂઆત કરી છે.

શહેર મુસ્લીમ સમાજના ઉપપ્રમુખ હાજી યુસુફભાઈ, હાજી અ. ગનીભાઈ સોરઠીયા, મંત્રી હાજી ઈલ્યાસભાઈ, હાજી ઈસ્માઈલભાઈ વોરા તથા સભ્યશ્રીઓએ ગીર સોમનાથ જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસ વડા તથા તાલુકાના અધિકારીઓને સંબોધી લખેલ આવેદનપત્ર ઉના પ્રાંત અધિકારીને આપી રજૂઆત કરી છે કે ઉના શહેરમાં વાહન અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ ત્રણ યુવાનને સારવાર માટે નામાંકીત ડો. વઘાસીયાની હોસ્પીટલમાં લાવેલ હતા ત્યાં ડોકટરે યુવાનના સગાઓને રૂ. ૫૦ હજાર ડીપોઝીટ ભરો પછી સારવાર આપીશ તેમ કહેતા સેવાભાવી મુસ્લીમ યુવાનોએ રૂપીયા ભેગા કરી ડીપોઝીટ ભરી હતી અને ડોકટરે કમ્પાઉન્ડરને સારવાર આપવા તેના ભરોસે છોડી નિવાસ સ્થાને ચાલ્યા ગયા હતા.

સેવાભાવી યુવાનોએ ડોકટરને પૂછેલ કે સ્થિતિ ગંભીર હોય બહાર રીફર કરવા હોય તો અમો લઈ જઈએ પરંતુ ડોકટરે કાંઈ જરૂર નથી, સારૂ થઈ જશે તેમ કહેલ પરંતુ એક યુવાનનું મોત થયુ હતું ત્યાર બાદ બીજાને બહારગામ લઈ જવા એમ્બ્યુલન્સમાં લઈ જવા પણ દીધા ન હતા, બીજાનું પણ મોત થયુ હતું. ડોકટરની બેદરકારીની સામે લોકોમાં રોષ ફાટી નીકળેલ અને ઉશ્કેરાટ થવાથી તોડફોડ થઈ છે તે ખેદજનક છે ઘટના બનવી જોઈએ નહી પરંતુ આ ઘટનાના સંપૂર્ણ જવાબદાર ડોકટર છે તેમ આવેદનમાં જણાવેલ છે.

જે મુસ્લીમ યુવાનો મદદરૂપ થયા હતા લોકોનો રોષ શાંત પાડવા કોશિષ કરેલ તેવા ૩ યુવાન સામે ફરીયાદ નોંધાવી હતી. ખરેખર ડોકટરની બેદરકારી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવી જોઈએ તેમજ ઉનાના ઘણા ખાનગી દવાનાખા, હોસ્પીટલોમાં કવોલીફાઈડ સ્ટાફ નથી હોતો તેમજ લેબોરેટરીમાં પેથોલોજીસ્ટ નથી હોતા, લાયસન્સ વગર ઘણા ડોકટરો તેમના દવાખાના, મેડીકલ સ્ટોર્સ શરૂ કરી દવાના વેપાર કરે છે. ઘણા દવાખાનામાં પાર્કિંગની વ્યવસ્થા નથી. ડોકટરો મનમાની રીતે ફિલસુલ કરે છે. દર્દીનું મોત થયા બાદ ભરેલ ડીપોઝીટ પણ પરત કરાતી નથી. તબીબો ઉપર શા માટે હુમલા થાય છે ? તેની તપાસ થવી જોઈએ. ડોકટરોને પૈસા માત્ર મહત્વના નથી પરંતુ માનવ જીંદગી બચાવવી મહત્વની છે. અઢી દિવસ દવાખાના બંધ રાખી દર્દીઓને બાન લીધા તે ખેદજનક છે. તમામ તપાસ પગલા લેવા મુસ્લીમ સમાજના આગેવાનોએ માંગણી કરી છે.(૨-૬)

 

(12:11 pm IST)