Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

રાજસ્થાન ચૂંટણી પ્રચાર માટે ગયેલા કચ્છ ભાજપના નેતાઓની દારૂ અને મારામારી વાળી પોસ્ટથી ચકચાર

 ભુજ તા. ૫ : રાજસ્થાનની ચૂંટણી માં પ્રચાર અર્થે ગયેલા કચ્છ ભાજપ નેતાઓની બે અલગ અલગ પોસ્ટે સોશ્યલ મીડીયામાં ચકચાર સજર્યા પછી કચ્છના રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ સજર્યો છે. સૌથી પહેલા વાયરલ થયેલી પોસ્ટમાં મુન્દ્રા તાલુકાના ભાજપ પ્રમુખ વાલજી ટાપરિયા અને મુન્દ્રા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાજપ આગેવાન ખેંગાર ગઢવી વચ્ચે બાડમેર (રાજસ્થાન) ની હોટલમાં મારામારી નું દ્રશ્ય છે. સાથે ગાળાગાળી ના અવાજો છે. બાડમેર માં ભાજપ ના આ બન્ને નેતાઓ ના તાયફા ને પગલે કચ્છ ભાજપ માં હલચલ સર્જાઈ છે. બીજી એક પોસ્ટ જેસલમેર રાજસ્થાન ની છે, જે કચ્છના કોંગ્રેસી કાર્યકર અંજલી ગોરના ફેસબૂક એકાઉન્ટ ઉપર થી શેર કરાઈ હતી.

જેમાં એક ટેબલ ઉપર દારૂ અને બિયર ના ગ્લાસ ટેબલ ઉપર પડ્યા છે અને કચ્છ ભાજપના ત્રણ નેતાઓ લોકનૃત્યની મોજ માણે છે. જોકે, આ ત્રણ નેતાઓ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેકના ઉપપ્રમુખ પ્રદીપસિંહ સોઢા અને કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન વાઘજી પ્રજાપતિન સીધા દારૂ કે બિયર પીતા હોય તેવા ફોટા નથી. પણ, વાહ ભાજપ વાહ, રાજસ્થાન માં દારૂ અને લોંકનૃત્ય ની મોજ એવું લખેલી કોંગ્રેસી કાર્યકર ની પોસ્ટ થી ચકચાર સર્જાઈ હતી. જોકે, સત્ત્।ત ચર્ચા અને ટીકા પછી ખુલાસાઓ પણ કરાયા છે.

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરિયાએ હિસાબની બાબતમા સામાન્ય બોલચાલ અને મસ્તી માં હાથાપાઈ થઈ હોવાનો ખુલાસો કર્યો છે. તો, ફેસબુક ઉપર ભાજપ ના નેતાઓની તસ્વીર પોસ્ટ કરનારી કોંગ્રેસી કાર્યકર્તા અંજલી ગોરે પોતાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાની ફરિયાદ કરી હતી. તો, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢાએ પોતે કયારેય દારૂ પીતા નથી એવો ખુલાસો કર્યો છે.

દરમ્યાન કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે સમગ્ર બનાવની તપાસ કરવાની વાત કરીને ભાજપ ના નેતાઓ અને કાર્યકરોની જો કયાંયે ગેરશિસ્ત જણાશે તો પગલાં ભરવાની ચીમકી આપી છે. પણ, સોશ્યલ મીડીયાની વાયરલ થયેલી બંને પોસ્ટથી લોકોમાં પણ સવાલો ઉઠી રહ્યા છે, ખરેખર કચ્છ ભાજપના નેતાઓ રાજસ્થાન પાર્ટી ના પ્રચાર માટે ગયા હતા કે પછી 'પાર્ટી' ની મોજ માણવા ?

(12:06 pm IST)