Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

પોરબંદરમાં વચગાળાના જામીન ઉપરથી ફરાર વધુ એક આરોપી ઝડપાયો

પોરબંદર તા. ૫ : ચોરી તથા મારામારીના ગુનામાં ખાસ જેલમાંથી વચગાળાના જામીન ઉપર આવી ફરાર થયેલ કાચા કામના વધુ એક આરોપીને બોટ પેટ્રોલીંગ દરમિયાન એસ.ઓ.જી. દ્વારા ઝડપી પાડયો છે.

પોલીસ મહાનિર્દેશકની કચેરી સી.આઇ.ડી. ક્રાઇમ ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી તરફથી રાજ્યના પેરોલ - ફર્લો વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને અસરકારક કામગીરી કરવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવારના માર્ગદર્શન મુજબ પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાન એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ.જાડેજાના માાર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ સબ ઇન્સ. એચ.સી.ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો આવા ફરારી આરોપીઓને પકડી પાડવાની કામગીરીમાં રોકાયેલ હતા.

દરમિયાન પોલીસ કોન્સ. વિપુલભાઇ બોરીચાને હકીકત મળેલ કે પોરબંદર ખાસ જેલના કાચા કામના કેદી અસગર ઉર્ફે કાલો ઉમરભાઇ સેતા રહે. ચુનાના ભઠ્ઠા પાસે, શામુરાદશાપીરના તકીયામાં દરિયામાં માછીમારી કરવા ગયેલ હોય અને પરત આવનાર હોય પો.ઇન્સ. કે.આઇ.જાડેજાની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો દરિયામાં બોટ પેટ્રોલીંગ કરી માછીમારી કરતી બોટની ચેકીંગ કાર્યવાહી હાથ ધરેલ અને બોટના ચેકીંગ દરમિયાન વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને પોરબંદર જેટી સામે દરિયાની અંદરથી પકડી પાડેલ છે. મજકુર આરોપીને કોવિડ-૧૯ રીપોર્ટ કરાવી પોરબંદર ખાસ જેલ ખાતે પરત મોકલી આપવા તજવીજ કરેલ છે. વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને દરિયાની અંદરથી બોટ પેટ્રોલીંગ દરમિયાન પકડવામાં એસ.ઓ.જી. ટીમને સફળતા મળેલ છે.

સદરહું કામગીરી પી.આઇ. કે.આઇ.જાડેજા તથા પી.એસ.આઇ. એચ.સી.ગોહિલ તથા એએસઆઇ કિશનભાઇ ગોરાણીયા તથા પોલીસ હેડ કોન્સ. મહેબુબખાન પઠાણ, સરમણભાઇ રાતીયા તથા પોલીસ કોન્સ. વિપુલભાઇ બોરીચા, સમીરભાઇ જુણેજા, સંજયભાઇ ચૌહાણ, મોહિતભાઇ ગોરાણીયા તથા માલદેભાઇ પરમાર એસ.ઓ.જી. દ્વારા કરવામાં આવેલ છે.

(11:43 am IST)