Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

મોરબીમાં ઓછુ મતદાન કોને તારશે કોને ડુબાડશે ?

સવારથી બપોર સુધીમાં ઠીકઠાક મતદાન થયુ જો કે બપોર બાદ તેમાં ઘટાડો થતા કુલ મતદાન ૫૨.૩૨ ટકા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૫: ૬૫ મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઇ ચુકયું છે અને ધારણા મુજબ પેટા ચૂંટણીમાં મતદાનની ટકાવારી નીચી રહેવા પામી છે અને ૫૨ ટકા જેટલું જ મતદાન થતા બંને રાજકીય પક્ષોએ મગજની કસરત શરુ કરી છે અને ઓછું મતદાન કોને તારશે અને કોને ડુબાડશે તે ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.

મોરબી વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાનના આંકડા પર નજર કરીએ તો કુલ નોંધાયેલા ૨,૭૧,૪૬૭ મતદારો પૈકી ૮૦૧૭૭ પુરૂષ અને ૬૧૮૪૮ સ્ત્રી મતદારો મળીને કુલ ૧,૪૨,૦૨૫ મતદારોએ મતદાન કર્યું હતું અને મતદાનની ટકાવારી ૫૨.૩૨ થઇ હતી જે ઓછું મતદાન દ્યણું બધું કહી જાય છે સામાન્ય ચૂંટણીમાં મોરબીમાં મતદાનની ટકાવારી પ્રમાણમાં સારી રહેતી હોય છે પરંતુ પેટા ચૂંટણીમાં જેમ રાજકીય પંડિતો માને છે તેમ મતદારોને કોઈ ખાસ ઉત્સાહ હોતો નથી પક્ષના કાર્યકરો મતદારોને મતદાન મથક સુધી લઇ આવવા મથામણ કરે છતાં પણ મતદારો જોઈએ તેવો ઉત્સાહ દાખવતા હોતા નથી મોરબી પેટા ચૂંટણીમાં પણ આવો જ સિનારિયો જોવા મળ્યો હતો જેમાં સવારથી તો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને બપોર સુધીમાં ઠીક ઠાક મતદાન પણ થયું હતું જોકે બપોર બાદ મતદાનની ટકાવારીમાં ગિરાવટ જોવા મળી હતી અને સાંજ સુધીમાં કુલ મતદાન માત્ર ૫૨.૩૨ ટકા પર સમેટાઈ ગયું હતું

જૂની ધારણા એવી રહી છે કે વધારે મતદાન થાય અને ખાસ કરીને સીટીમાં જેટલું વધુ મતદાન થાય તેટલો ફાયદો ભાજપને થતો હોય છે તો ગ્રામ્ય પંથકના વધુ મતદાનથી કોંગ્રેસને તેનો ફાયદો મળે છે જોકે પેટા ચૂંટણીમાં મતદાનની પેટર્ન પણ થોડી અલગ જોવા મળી હતી એટલે જ ઓછું મતદાન થયું હોય છતાં કોંગ્રેસના નેતાઓમાં હજુ રાહત જોવા મળતી નથી તો ગણતરી કરતા ઓછું મતદાન થયું હોય છતાં પણ ભાજપના નેતાઓમાં એટલો ઉચાટ પ્રમાણમાં જોવા મળ્યો ના હતો જે સ્પષ્ટ કરે છે કે બંને પક્ષો ભલે જીતના દાવા કરે પરંતુ મોરબી પેટા ચૂંટણીમાં થયેલ મતદાન બાદ બંને પક્ષોની ચિંતા વધી છે.

આગામી તા. ૧૦ ના રોજ મત ગણતરી થતા કોણ જીતે છે તે નક્કી થઇ જશે જોકે ત્યાં સુધી ચારેકોર રાજકીય ચર્ચાઓ તો જોવા મળવાની જ અને ખાસ કરીને ઓછું મતદાન કોને તારશે અને કોને ડુબાડશે તેવું શહેરના ઘણા સ્થળોએ સાંભળવા મળી રહ્યું છે.

(11:41 am IST)