Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ખંભાળીયા પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ સતાધીશોને ભ્રષ્ટાચારી કહેતા શાસકો લાલઘુમ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૫: પાલિકાની પ્રમુખ પદની પ્રથમ ટર્મની છેલ્લી અને સાતમી સામાન્ય સભા પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ અને ચિફ ઓફીસરના અધ્યક્ષ સ્થાને ગતરોજ પાલિકાના સભાગૃહમાં મળી હતી. ભાજપ-કોંગ્રેસના ૨૭ સભ્યો પૈકીના ચાર સભ્યો ગેરહાજર હતાં જેમાં એકનો રજા રીપોર્ટ મુકવામાં આવતાં ૨૩ સભ્યો હાજર રહયાં હતાં.

એજન્ડા નંબર ૧૪ મુજબ ૩૧ મુદાઓને આવરી લેવામાં આવ્યા હતા. પ્રથમ મુદે ગત સામાન્ય સભાને બહાલ રાખવાનું વાંચન કરવામાં આવતાં જ વિપક્ષે કોંગ્રેસના એક પણ સભ્ય સહમત ન હોવાનું જણાવા  વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે વિપક્ષી નેતા ઈમ્તીયાઝ ખમન પઠાણે રોડ-રસ્તાના નબળા કામ અને પ્રજાના પ્રાણ પ્રશ્ને પ્રમુખ સક્ષમ ન હોવાનું જણાવી શાસકોને ભ્રષ્ટાચારી ગણાવતાં કેટલાક શાસક સભ્યોના પેટમાં તેલ રેડાતાં ઉકળી ઉઠયાં હતાં અને તમામ સભ્યોને ભ્રષ્ટાચારમાં સામેલ ન કરવાનું કહી તું...તુ...મે...મે... કરતાં સમગ્ર માહોલમાં ગરમાહટ જોવા મળી હતી. જો કે શાસકો એ બહુમતીના જોરે તમામ ઠરાવોને બહાલ રાખી સામાન્ય સભા આટોપી લીધી હતી.

પાલિકામાં પ્રથમ ટર્મથી જ સતાપાર્ટીમાં જ જુથવાદ અને તાણ ખેંચથી જબરો કલેશ અનેક વખત સપાટી ઉપર પણ આવ્યો છે. અને હજુ પણ આ જુથવાદ અંદરખાને ભભૂકી રહયો હોવાથી સામાન્ય સભા બધુ હેમખેમ ન ગોઠવાય ત્યાં ગોઠવાતી ન હતી. પરંતુ જિલ્લા ભાજપના ચોકકસ હોદેદારોના મોનીટરીંગ અને માર્ગદર્શન મુજબ આ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

(11:40 am IST)