Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

રોઝડુ આડે ઉતરતા અકસ્માત જોડીયાના ડમ્પર ચાલકનું મોત

જામનગર, તા.૫: જોડીયા ગામે દલીતવાસમાં રહેતા રવી ઉર્ફે રામદેવસિંહ સરદારસિંહ પરમાર, ઉ.વ.ર૮ એ જોડીયા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, અશોકસિંહ સરદાસિંહ પરમાર, ઉ.વ.૩૦, રે. દલીતવાસ, જોડીયાવાળા નું ડમ્પર નં. જી.જે.–૦૩–બી.વી.–૦૦૧૮ નું લઈને જામનગર થી જોડીયા આવતા હોય ત્યારે કુન્નડગામ પાસે રેતીના પ્લાન્ટ પાસે રોડ ઉપર રોજડુ આડ ઉતરતા જે બચાવા જતા ડમ્પર રોડની સાઈડમાં ઉતરી જતા અશોકસિંહને પેટના ભાગે તથા માથાના ભાગે ઈજા થતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

ધૂલ કા ફૂલ

સિકકા પોલીસ સ્ટેશનમાં અતુલભાઈ પ્રભુભાઈ બોડા એ ફરીયાદ નોંધાવી છે કે, શાપર પાટીયાથી શાપર ગામ વચ્ચે ગેલ કંપનીની બાજુમાં રોડથી નજીક કોઇએ તાજી જન્મેલ બાળકીનો જન્મ છુપાવવા અને ત્યાજી દેવાના ઈરાદાથી બીનવારસું મૂકી (ત્યાજી) દઈ ગુનો કરેલ છે. ગઈકાલે મોડી સાંજે ૧૦૮ ની ટીમને જાણ કરાતા બાળકીને હેમખેમ બહાર કાઢી જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.

પાકમાં દવા છાંટતા પરણિતાનું ઝેરી અસરથી મોત

સોયલ ગામની સીમમાં રહેતા ભરતભાઈ વરસીંગભાઈ સંગોળ, ઉ.વ.પર એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રેખાબેન ભરતભાઈ સંગોળ, ઉ.વ.રર, રે. અમરશીભાઈ પરષોતમભાઈ ગડારાની વાડીમાં સોયલ ગામની સીમ, વાડીએ કપાસ વાવેલ હોય તેમાં દવા છાંટતા હોય ઝેરી દવાની અસર થઈ જતા ઉલ્ટી ઉબકા ચકકર આવતા પ્રથમ સરકારી હોસ્પિટલ ધ્રોલ ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

(11:38 am IST)