Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

છબીલ પટેલની દલીલ ખારીજ, પુત્રના લગ્ન સમયે આબરૂ જવાની દલીલ ન માની કોર્ટે જામીન નામંજુર કર્યા

કોર્ટે કહ્યુ , આબરૂ બગડે તેવું જણાતુ નથી, પુત્ર પણ પિતા સાથે આ જ ગુના માટે જેલમાં હતો

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૫: ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલી હત્યા કેસના આરોપી એવા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.

પોતાના પુત્ર સિદ્ઘાર્થ પટેલના લગ્ન માટે છબીલ પટેલે ભચાઉ કોર્ટમાં ૧/૧૧ થી ૫/૧૨ માટે જામીન અરજી મુકી એવી દલીલ કરી હતી કે, પોતાને ડાયાબિટીસ અને બ્લ્ડ પ્રેસરની બિમારી છે, તા/૨૮/૧૧ ના પુત્રના લગ્ન છે, તે સમયે જો પિતા જેલમાં હોય અને પુત્રના લગ્ન થાય તો આબરૂને મોટું નુકસાન જાય તેમ છે. જોકે, સરકારી વકીલે ધારદાર દલીલો કરતાં જણાવ્યું હતું કે, અરજદારે લગ્નનું સ્થળ અમદાવાદ બતાવ્યું છે.

જાન માંડવીથી આવવાની છે, જે વિરોધાભાસ છે. અરજદાર છબીલ પટેલ જેલમાં હતો ત્યારે સાહેદોને મારી નાખવાના પ્રયાસો કરાયા હતા. જે અંગે અલગ પોલીસ ફરિયાદ પણ દાખલ છે. અરજદારની હાજરી વિના પણ પુત્રના લગ્ન થઈ શકે છે. પુત્રના લગ્ન મોંઘી હોટેલમાં થવાના છે.

એટલે આર્થિક સગવડ કરવાની દલીલ ટકતી નથી. આરોપીએ માંગેલ સમય મર્યાદા વધુ છે, તે સમય દરમ્યાન આરોપી સાહેદોને ધમકી આપી શકે છે. માત્ર લગ્ન વિધિના સમય દરમ્યાન પોલીસ જાપ્તા સાથે હાજરી આપવા માટે જામીન આપવામાં આવે તો સરકારને વાંધો નથી. બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે જણાવ્યું હતું કે, જે પુત્રના લગ્ન છે, તે પણ સેસન્સ કોર્ટનો આરોપી છે.

અરજદાર અને તેના પુત્રની આ જ ગુનામાં ધરપકડ થઈ તે પહેલાં લગ્નની તારીખ નક્કી થઈ નહોતી. લગ્નની તારીખ બદલી શકાય છે. અરજદારનો પુત્ર આ જ ગુનાસર જેલમાં રહેલો છે. તેવા સંજોગોમાં આબરુ બગડે તેવું જણાતું નથી. કારણકે, અરજદાર લાંબા સમયથી જેલમાં છે તેની જાણ સમાજને હોય તે માની શકાય છે. પુત્ર પણ આ ગુનામાં આરોપી છે. તેના લગ્નની વિધિ માટે પિતાની હાજરી જરૂરી હોય તેવું જણાઇ આવતું નથી. કુટુમ્બીજનો લગ્નની તૈયારી સારી રીતે કરી શકતા હોવાનું જણાઈ આવે છે. માત્ર લગ્નના દિવસ પુરતી જામીન અરજી કરવી હોય તો તેનો વિકલ્પ ખુલો રાખવામાં આવે છે. એવું જણાવી કોર્ટે છબીલ પટેલની દલીલો ખારીજ કરી તેની જામીન અરજી રદ્દ કરી નાખી હતી.

(11:25 am IST)