Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ધોરાજી ફરેણી સ્વામિનારાયણ મંદિરે શતાબ્દી જન્મજયંતિ મહોત્સવ

પૂ.જોગીસ્વામીની સ્મૃતિમાં તા.૮ થી ૧૨ સુધી વિવિધ કાર્યક્રમોઃ વિજયભાઇ રૂપાણી સહિતના ઉપસ્થિત રહેશે

ફરેણી સ્વામિનારાયણધામ ખાતે પત્રકારોને માહિતી આપતા આયોજકો નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલઃ કિશોર રાઠોડ-ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

ધોરાજી તા.૫: ફરેણી સ્વામિનારાયણ મહામંત્ર પીઠના પૂ.સદગુરૂ શાસ્ત્રી બાલકૃષ્ણદાસ સ્વામીએ તા.૮ થી ૧૨ પાંચ દિવસીય પ.પૂ.બ્ર.સદગુરૂ જોગીસ્વામી મહારાજની સ્મૃતિમાં સપાદશતાબ્દી જન્મ જયંતિ મહોત્સવ અંગે પત્રકારોને માહીતી આપતા જણાવેલ કે ધોરાજી તાલુકાના નાના એવા ગામ ફરેણી ખાતે આજથી ૨૧૭ વર્ષ પહેલા ભગવાન શ્રી સહજાનંદસ્વામીએ પોતાના ગુરૂ શ્રી રામાનંદસ્વામીના સ્વધામ સિધાવ્યા પછી ૧૪માં દિવસે સત્સંગ મહાસભામાં પોતાના વેદોકત નામ ''સ્વામિનારાયણ''નો મહામંત્ર સ્વમુખે ઉદઘોષિત કર્યો ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે આજે વિશ્વના ફલક ઉપર ઓળખ મળી છે ત્યારે સદગુરૂ પ.પૂ. સદગુરૂ જોગી સ્વામી ધર્મપ્રસાદ સ્વામીનો સપાદ જન્મ જયંતિ મહોત્સવ તા.૮  ગુરૂવાર કારતક શુદ ૧ નૂતવર્ષથી પ્રારંભ થશે. જેમાં વડતાલના આચાર્ય શ્રી ૧૦૦૮ રાકેશ પ્રસાદજીના રૂડા આર્શીવાદથી મહા ઉત્સવ ઉજવાશે.

જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા - પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા- ધારાસભ્ય લલીતભાઇ વસોયા- જીલ્લા પંચાયત પ્રમુખ અર્જુન ખાટરીયા તાલુકા પંચાયતના પ્રમુખ પતિ રસીકભાઇ ચાવડા ભાજપના અગ્રણી ચેતનભાઇ રામાણી- સહીત અગ્રણીઓ ઉપસ્થીત રહેશે.

આ સાથે વ્યાખ્યાન માળાના વકતા  શાસ્ત્રી બાલકૃષ્ણજી મહારાજ મહામંત્ર ફરેણીધામ વડતાલના કોઠારી શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી-છારોડીના શાસ્ત્રી માધવ પ્રિયદાસજી સ્વામી પીપલાણાના પ્રસાદસ્વામી વિગેરે સંતો તથા જામજોધપુરના શાસ્ત્રી રાધા રમણદાસજી સ્વામી ઉપસ્થીત રહેશે જે અંગે તડામાર તૈયારી ચાલુ છે.

સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ગમ બિદુ ગણાતું ફરેણીધામ એક નાનકડું ગામ છે..

આજથી ૨૧૭ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સહજાનંદસ્વામી મહાપ્રભુએ પોતાના ગુરૂ ઉદ્વવાવતાર સદ્ગુરૂ રામાનંદસ્વામીના સ્વધામ સિધાવ્યા પછીના ચૌદમાના દિવસે ફરેણીમાં ભરાયેલી પચીસ હજાર અનુયાયીઓની સત્સંગ સભામાં પોતાના વેદોકત નામ ''સ્વામિનારાયણ''  નો મહામંત્ર સ્વમુખે ઉદ્ઘોષિત કર્યો, જે ગગનની ગોખે અને આભની અટારીએ અથડાઇને સારાએ બ્રહ્માંડમાં પડઘાયો. ઉદ્ધવ સંપ્રદાયને ''સ્વામિનારાયણ સંપ્રદાય'' તરીકેની નવી ઓળખ મળી. ૬૦ (સાઇઠ) સંતોને એક જ ખાટલીમાં વારાફરતી સૂવડાવીને પોતાના ધામમાં મોકલી દીધા. આવી તો અનેક લીલાઓ શ્રીજીમહારાજે ફરેણીમાં કરી.

સદ્ગુરૂ રામાનંદસ્વામીએ પોતાની હયાતીમાં સ્વહસ્તે સ્થાપન કરેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ આજે પણ ભકતોના કષ્ટ કાપીને એમને દુઃખ મુકત કરતા હાજરાહજુર દર્શન આપે છે. આ એ સ્થાન છે જયાં સદ્ગુરૂ રામાનંદસ્વામીએ પોતાની દેહલીલા સંકેલીને સ્વધામગમન કરેલું. ભદ્વાવતી વાવ પાસે એમનો અગ્નિ સંસ્કાર થયેલોએ જગ્યાએ છત્રી છે.

શ્રી સહજાનંદ સંસ્કારધામ ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ શેઠ શ્રી રસિકલાલ એમ.ધારીવાલ ઇન્ટરનેશનલ સ્કુલના માધ્યમથી વિદ્યા-સદ્વિદ્યા અને બ્રહ્મવિદ્યાના પાઠો દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓને ઢંઢોળીને એમનો  શૈક્ષણિક જ્ઞાનની સાથોસાથ પરિવાર સેવા, સમાજસેવા અને રાષ્ટ્રસેવાની ભાવના સમેત ''ટોટલ ગ્રોથ''કરે એવું વાતાવરણ પુરૃં પાડવામાં આવે છે...

સને ૨૦૧૧ ડિસેમ્બર મહિનામાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ૨૧૦મો પ્રાગટય મહોત્સવ ઇન્ટરનેશનલ કક્ષાએ ઉજવાયો હતો. આ સંસ્થા દ્વારા માસિક સત્સંગ સભાઓ, જીવનઘડતર શિબિરો અને ઉત્સવોના આયોજનો થાય છે જેમાં હજારો મુમુક્ષુઓ લાભાન્વિત થાય છે. સંસ્થાના સંસ્થાપક પ.પૂ.સદ્.શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજીસ્વામીના ગુરૂ પ.પૂ.સદ્. જોગીસ્વામી ધર્મપ્રસાદદાસજીસ્વામીનો ૧૨૫મો જન્મોત્સવ ''સપાદ શતાબ્દી જન્મજયંતી મહોત્સવ'' તરીકે સંવત ૨૦૭૫ના કારતક સુદિ ૧ને ગુરૂવાર તા.૦૮-૧૧-૨૦૧૮ થી કારતક સુદિ લાભપંચમીને સોમવાર તા.૧૨-૧૧-૨૦૧૮ દરમિયાન દિવ્યકા પૂર્વક ઉજવાશે જે અંતર્ગત ત્રિદિનાત્મક શ્રી હરિયાગ, પંચદિનાત્મક કથા પારાયણ, પ.પૂ.સદ્. જોગીસ્વામી મહારાજનું દિવ્યાતિદિવ્ય ભાવપૂજન, યુવામંચ, મહિલામંચ, કીર્તનભકિત-સંગીત સમારોહ તેમ જ નિઃશૂલ્ક સર્વરોગ નિદાનકેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ જેવા અને કવિધ આયોજનો નિરધાર્યા છે.

(4:17 pm IST)