Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

મોરબી પાસે ગીફટ આર્ટીકલની ફેકટરીમાં આગ ભભૂકી : ર૦ લાખના નુકશાનનો અંદાજ

શિલ્પન ગીફટ-પરિતા ફેકટરીમાં રાત્રે આગ ભભૂકયા બાદ કલાકોની જહેમતથી કાબુમાં આવી

મોરબી, તા. પ : મોરબી ગીફટ આર્ટીકલ ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ કલાકો બાદની જહેમતથી કાબુમાં આવી. ર૦ લાખની નુકશાનીનો અંદાજ.

મોરબી-રાજકોટ રોડ પર મોરબીથી થોડે દૂર વીરપર પાસે ગતરાત્રીના આગ લાગી હતી અને જોતજોતામાં આગે ભીષણરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડને જાણ કર્યાના પગલે ફાયર ફાઇટર સાથે સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી હતી. આ આગમાં વીસેક લાખનું નુકશાન થયાનો અંદાજ છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબીના વિરપર ગામ પાસે જી.આઇ.ડી.સી., પેટ્રોલ પંપની પાછળ, શિલ્પન ગીફટ -પરિતા નામની ગીફટ આટીકલ અને ઘડીયાળનું ઉત્પાન્ન કરતી ફેકટરીમાં ગતરાત્રીના ર-૩૦ કલાકે અચાનક કોઇ કારણસર આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર સ્ટાફ ફાયર ફાઇટર સાથે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ  મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. કુલ ત્રણ ફાયર ફાઇટરોએ ચાર-ચાર ફેરા કરી પાણીનો મારો ચલાવી, ભારે જહેમત ઉઠાવ્યા બાદ સવારે ૬ વાગ્યે આગ પર કાબુ મેળવી શકાયો હતો.

આ બાબતે મોરબી કલોક એસોસીએશનના પ્રમુખ અને કારખાના માલિક શશાંકભાઇ દંગીએ વાત કરતા જણાવ્યું હતું કે રાત્રે કોઇ કારણસર એકાએક આગ લાગી હતી. આગમાં અંદાજે ર૦ લાખ રૂ. જેટલો કાચો પાકો માલ બળીને ખાખ થઇ ગયાનું અનુમાન છે. સદ્નશીબે આગ પર કાબુ મેળવાઇ જતા બાકીનો કાચા-પાકા માલનો મોટો જથ્થો આબાદ બચી ગયો હતો અને કોઇ મોટી દુર્ઘટના કે જાનહાનિ ટળી હતી. સર્વે કર્યા બાદ જ નુકશાનીનો સાચો અંદાજે મળી શકશે.

(4:15 pm IST)