Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

માધાપર મોરબી બાયપાસ ચોકડીએ સ્વામિનારાયણનગરનું થશે સર્જન

પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ૯૮ માં જન્મોત્સવની તડામાર તૈયારી : બીએપીએસ મંદિર પરિવાર દ્વારા ૫૦ જેટલા સેવા દળોની રચના : સંતો સ્વયંસેવકો, બાળકો, મહીલાઓ હોંશે હોંશે સેવામાં જોડાયા

રાજકોટ તા. ૫ : વિશ્વવંદનીય સંતવર્ય  પૂજય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી તા.૫ ડિસેમ્બરથી તા.૧૫ ડિસેમ્બર સુધી ઉજવાનાર ૧૧ દિવસીય આ મહોત્સવની રાજકોટ બીએપીએસ મંદિર પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

માધાપર મોરબી બાયપાસ પાસે નિર્માણાધિન સ્વામિનારાયણનગર ખાતે લાખો હરિભકતો ઉમટનાર હોય આ બાબતને લક્ષ્યમાં રાખીને ખૂબ વિરાટ પાયા પર ૫૦ જેટલા સેવા વિભાગોમાં સંતો અને સ્વયંસેવકો દ્વારા સેવાયજ્ઞ થઈ રહ્યો છે.

સતત ૨૪ કલાક કાર્યરત વિભાગોમાં દેશ-વિદેશના હજારો હરિભકતો પોતાનો અમૂલ્ય સમય આપીને જોડાઈ રહ્યા છે.

ભાઈઓ અને બહેનોના સાથે મળીને તૈયાર કરાતા આ સ્વયંસેવક દળોમાં ડોકટરો, એન્જિનયરો, ઉધોગપતિઓ, શિક્ષકો વગેરે  કોઈપણ જાતની અપેક્ષા વગર સેવા આપી રહ્યા છે. કેટલાય કારખાનાના માલિકોએ પોતાના કારીગરો અને મજૂરોને વેતન આપીને મહોત્સવની સેવામાં જોડ્યા છે.

     તદુપરાંત, દેશ-વિદેશમાં ડોકટર, ઈજનેર વગેરનો ઉચ્ચ અભ્યાસ કરેલા સંતો કઠિન પુરુષાર્થ અને આયોજનથી મહોત્સવની સરળતામાં મોટું યોગદાન આપી રહ્યા છે. વિશ્વની નામાંકિત હાર્વડ, ઓકસફોર્ડ વગેરે ઉચ્ચ યુનિવર્સીટીઓમાં શિક્ષિત સંતો રોજ ૧૬ થી ૧૮ કલાકો સુધી સેવા કરી રહ્યા છે.

     આ મહોત્સવની સેવામાં સંડાસ-બાથરૂમ સાફ કરવાથી લઈને સ્ટેજ વ્યવસ્થા સુધીના ૫૦થી વધુ સેવા વિભાગોમાં સેંકડો સંતો અને હજારો સ્વયંસેવકો હોંશે-હોંશે જોડાયા છે.

મહોત્સવ સ્થળની ૫૦૦ એકરની ભૂમિને સમથળ કરી કાંટા, કાંકરા, કચરો વીણીને સ્વચ્છ કરવાની સેવામાં પણ સ્વયંસેવકો હોંશેહોંશે જોડાયેલા છે.

વડીલોની સાથે નાના બાળકો અને યુવાનોનું પણ મહોત્સવમાં અપાર સમર્પણ રહેલું છે. કેટલાય બાળકોએ રાજીખુશીથી ચોકલેટ, પિત્ઝા જેવી ભાવતી વાનગીઓ અને ફટાકડા વગેરેનો ત્યાગ કરીને, તેમાંથી બચત કરી મહોત્સવમાં યોગદાન આપ્યું છે. ઘણાં યુવાનો મોબાઈલ, કપડાં વગેરે મોજશોખનો ત્યાગ કરી નિસ્વાર્થભાવે સેવા કરી રહ્યા છે.

આ મહોત્સવની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ૬ જેટલા આકર્ષક પ્રદર્શનખંડો બનાવવામાં આવી રહ્યા છે. કલાત્મક મંદિરો, તદુપરાંત મંત્રમુગ્ધ કરનારો લાઈટ એન્ડ સાઉન્ડ શોનું સ્ટ્રકચર મહોત્સવ સ્થળ પર ખડું કરવામાં આવી રહ્યું છે. સ્વામિનારાયણ નગરમાં મુલાકાતીઓને આવકારતો ભવ્ય કલાત્મક પ્રવેશદ્વાર આકાર લઈ રહ્યો છે.

સમગ્ર રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ છે કે કેવો હશે આ મહોત્સવ? રાજકોટવાસીઓની સાથે સમગ્ર સૌરાષ્ટ્રના ભકતો-ભાવિકોના હૈયા થનગની રહ્યા છે.

(4:02 pm IST)