Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ઉદ્યોગોને વેગ આપવા કેન્દ્ર રાજય સરકાર પ્રયત્નશીલ છેઃ સાંસદ ફતેપરા

વઢવાણ, તા.૫: નાના અને મધ્યમ ઉદ્યોગોને વેગ મળે તે માટે કેન્દ્ર અને રાજય સરકાર પ્રયત્નશીલ છે. તેમ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ સુક્ષ્મ, લદ્યુ અને મધ્યમ ઉદ્યોગ સહયોગ એવં સંપર્ક કાર્યક્રમ પ્રસંગે લોકસભા સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું.

સાંસદશ્રી દેવજીભાઇએ આ તકે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા માત્ર ૫૯ મીનીટમાં રૂપિયા એક કરોડ સુધીની લોન મંજૂરી માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોન્ચ કરેલ વેબ પોર્ટલથી નાના ઉદ્યોગકારોને સરળતાથી લોન પ્રાપ્તિ શકય બનશે અને તેઓના ધંધા- રોજગારનો વિકાસ થશે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે કોઇપણ વ્યવસાય માટે નાણાકિય સ્થિતિ આવશ્યક છે. ઉદ્યોગકારોએ પોતાના વ્યવસાયના વિકાસ કે કોઇપણ નવા વ્યવસાય માટે નાણાકિય જરૂરીયાત ઉભી થાય તેવા સંજોગોમાં વડાપ્રધાનશ્રીએ લોન્ચ કરેલ ઓનલાઇન વેબ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી માત્ર ૫૯ મીનીટમાં જ લોન મંજુર થઇ શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીએ લોન્ચ કરેલ આ વેબ પોર્ટલ દ્વારા દેશના નાના ઉદ્યોગો માટે વિકાસની નવી શરૂઆત બની રહેશે.

સાંસદ ફતેપરા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મુદ્રા યોજના હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓને લોન મંજુરીના ચેક તથા નવી લોન્ચ થયેલ વેબ પોર્ટલ ૫૯ મીનીટમાં ૧ કરોડ સુધીની લોનના લાભાર્થીઓને લોનના મંજૂરી પત્રકો એનાયત કરવામાં આવેલ હતાં.

સ્વાગત પ્રવચન એસ.બી.આઇ.ના એ.જી.એમ.શ્રી નરેન્દ્રકુમારે કરી યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી. આભારવિધિ ચીફ મેનેજરશ્રી પી.બી. જોશીએ કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી માધવીબેન શાહે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.

આ પ્રસંગે કલેકટરશ્રી કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષકુમાર બંસલ, લીડ બેંકના ડી.જી.એમ.શ્રી હેમંત કરોલીયા, જનરલ મેનેજરશ્રી સબનમ નારાયણ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી પારજીયા, અગ્રણી સર્વશ્રી દિલીપભાઇ પટેલ, વિપિનભાઇ ટોલીયા, જગદીશભાઇ મકવાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, વર્ષાબેન દોશી, જીજ્ઞાબેન પંડયા, રામકુભાઇ ખાચાર, વિજયભાઇ ભગત, મનહરસિંહ રાણા, પદાધિકારીઓ- અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ઉદ્યોગકારો, શહેરજનો ઉપસ્થિત રહયા હતાં.

(12:25 pm IST)