Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ગીર ગઢડાના ધોકડવામાં વીજ થાંભલાથી પડી જતાં એપ્રેન્ટીસનું મોતઃ વીજ તંત્રની બેદરકારી સામે ધરણા યોજાયો

ઉના તા.૫: ગીરગઢડાના ધોકડવામાં પી.જી.વી.સી.એલ.માં એપ્રેન્ટીસીપ તરીકે ફરજ બજાવતા મૂળ ફુકાવાવના નવા ઉજળાનો યુવાન મિલન મનસુખભાઇ ચૌહાણ (ઉ.વ.૨૫) કે.વી.મેન્ટેનસસની કામગીરી કરતી વેળાએ વીજપોલ ઉપરથી અચાનક પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઉના સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

બનાવની જાણ તેના પરિવારજનોને થતા તેઓ ઉના ખાતે દોડી આવ્યા હતા. આ ગંભીર બેદરકારી બદલ મૃતકના પરિજનોએ જ્યાં સુધી વીજતંત્રના જવાબદારો સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો.

સવારથી જ દલિત સમાજના આગેવાનો સરકારી દવાખાને એકત્રિત થયા હતા. જ્યાં ઉનાના મામલતદાર અને પી.આઇ. તેમજ ગીરગઢડા પી.એસ.આઇ.પહોંચી જઇ અને સમજાવટના પ્રયાસો આદર્યા હતા. પરંતુ મૃતકના પરિજનોએ જો તેમની માંગ ન સંતોષઆય તો આત્મવિલોપન ચિમકી ઉચ્ચારી હતી. જેથી ઉના સરકારી દવાખાનું પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. ત્યારબાદ મૃતકના પરિવારજનો અને દલિત સમાજના આગેવાનો ઉના ત્રિકોણ બાગ ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આવી ધરણાં પર બેસી ગયા હતા. જ્યાં પણ તેઓએ આ માંગણી પુનઃ દોહરાવી હતી. આખરે સમજાવટના પ્રયત્નો નિષ્ફળ  જતા વેરાવળથી નાયબ પોલીસ અધિક્ષક ડો.જગદીશ ચાવડા ઉના ખાતે દોડી આવી મૃતકના પરિવારજનો અને આગેવાનોને મળ્યા બાદ ફરિયાદ નોંધવાની ખાત્રી આપી હતી. વીજતંત્રના જવાબદારો સામે ગીરગઢડા પોલીસ મથકમાં મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ મૃતદેહને પોતાના વતન લઇ ગયા હતા.

(12:21 pm IST)