Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દીપોત્સવ પર્વ ઉજવાશે

દિપમાળા, લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન, અન્નકુટ દર્શન સહિતના કાર્યક્રમો

વેરાવળ, પ્રભાસપાટણ, તા. પ :  પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યે ભકતજનો મોટી સંખ્યામાં વર્ષની શરૂઆતે ઉર્જા પ્રાપ્ત કરવા મહાદેવના આશિર્વાદ પ્રાપ્ત કરવા પહોંચતા હોય શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભકતોના ઘસારોને પહોંચી વળવા માટે સુરક્ષા તેમજ શાંતિપૂર્ણ દર્શન થાય તેવા હેતુસર પોલીસ પ્રશાસન વહિવટી તંત્ર સાથે સંકલન કરી વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે. અતિથિગૃહમાં રોકાતા યાત્રી કોમાટે પણ દીપાવલીના તહેવારોમાં જોડાઇ શકે તે માટે દીપોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

આવનારા યાત્રિકોને ઉત્સવો યાદગાર અને ઉર્જા પ્રદાન કરનાર બની રહે તે માટે દર વર્ષે એક વિશેષ દીપાવલી મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે તા. પ નવેમ્બર થી શરૂ થયેલ દિપાવલી મહોત્સવમાં શ્રી સોમનાથ મંદિર ખાતે ધનતેરસ થી નૂતન વર્ષ સુધી દરરોજ વિશેષ શૃંગાર સાંજના દીપમાલીકા ગર્ભગૃહ તથા નૃત્યમંડપમાં સાથે રંગોળી કરવામાં આવશે. તા.૦પ ના ધનતેરસના દિવસે માસીક શિવરાત્રી નિમિત્તે રાત્રે ૧૦ કલાકે જયોતપુજન રાત્રે ૧૧ કલાકે મહાપૂજન અને રાત્રે ૧ર કલાકે મહાઆરતી યોજાશે તેમજ ધનતેરસ પર્વ મંદિર દર્શનાર્થીઓ માટે રાત્રે ૧ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.

તા. ૦૬ના કાળીચૌદશ નિમિત્તે દીપમાળાનું આયોજન કરવામાં આવશે. તા. ૦૭ના દીપાવલીના દિવસે વિશેષ દીપમાળાનું આયોજન કરવામાં આવશે. લક્ષ્મીપૂજન તથા ચોપડા પૂજન સાંજે ૦૭-૩૦ થી ૦૮-૩૦ દરમ્યાન કરવામાં આવશે. જેમાં વેપારીઓ તેમજ ભકતો પણ પોતાના ચોપડાનું પૂજન કરાવી પૂજામાં જોડાઇ શકશે. તા. ૦૮ના નૂતન વર્ષના પ્રારંભે પ્રાતઃ આરતીમાં વિશ્વકલ્યાણ તેમજ વિશ્વશાંતી માટે શ્રી સોમનાથ મહાદેવને યાચના કરવામાં આવશે. સાંજે ૦૪ થી ૦૬ શ્રી સોમનાથ મંદિર, શ્રી રામ મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી ભાલકા મંદિર ખાતે અન્નકુટ દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહો ખાતે આવતા યાત્રીઓ દીપોત્સવનો લાભ લઇ શકે તે માટે ફટાકડા, રોશની સહિતથી ઉર્જાની ઉત્સવ દીપાવલી ઉજવાય તે પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે. દીપોત્સવ સોમનાથ દાદાના દર્શને અને કૃષ્ણ કૃપા પ્રાપ્ત કરવા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટનું જાહેર નિમંત્રણ છે.

(12:15 pm IST)