Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

જસદણ ખેડૂત સંમેલનમાં ભાજપ ઉપર અજુગતા શબ્દોના પ્રહારો

કુંવરજીભાઇ બાવળીયા ભાજપમાં જોડાયા બાદ પ્રથમ વખત કોંગ્રેસ પ્રેરીત સંમેલન

જસદણમાં કોંગ્રેસ દ્વારા ખેડુત સંમેલનમાં વિપક્ષના નેતા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે સભા સંબોધી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલ, ધર્મેશ કલ્યાણી હુસામુદીન કપાસી-જસદણ)

જસદણ તા. પ : અહીના જુના માર્કેટયાર્ડ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડુત મહાસંમેલન યોજાયું હતું જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતભરના કોંગ્રેસના ચૂંટાયેલા આગેવાનો અને હોદ્દેદારોની  બહોળી સંખ્યામાં ઉપસ્થિત વચ્ચે ભાજપના ૩૯ જેટલા આગેવાનો હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સંમેલનમાં કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો સહિત વિધાન સભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત સૌરાષ્ટ્રભરના આગેવાનો ખાસ હાજર રહી ભાજપ સરકાર પર કોંગ્રેસના નેતાઓએ અજુગતા પ્રહારો કરતા ભારે ચર્ચા જાગી છે.

વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ બાવળીયાનું નામ લીધા વગર જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસના કાર્યકરો સાથે ગદારી કરી છે. પરંતુ અમરેલી જીલ્લામાં ફુક મારવાની વાતો કરનારની હવા અહિયા જ પેટા ચુંટણીમાં કાઢી નાખજો તમારા મતનું દાન થાય વેચાણ ન થાય તે જોવા જણાવ્યુ હતું.  ત્યારે સમજીને મતદાન કરવા જણાવ્યું હતું. પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો બેરોજગારી, મગફળી કાંડ, મોંઘા ખાતર, દવા, બિયારણ, પાકવીમો સહિતના પ્રશ્ને ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ ચાવડાએ જણાવ્યું કે આ વિસ્તારના લોકોએ આઝાદીથી લઇને અત્યાર સુધી કોંગ્રેસની વિચારધારા અંકબંધ રાખી છે આ વિસ્તાર કોઇ વ્યકિત સાથે નહી પરંતુ કોંગ્રેસની વિચારધારા સાથે સંબધ ધરાવે છ. બાવળીયા ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોઇ વ્યકિત પક્ષથી મોટો નથી હો તો, કોઇ વ્યકિતને મોટો બનાવવાનું કામ તેના મતદારો તથા તે વિસ્તારનો સમાજ કરતો હોય છે અને પક્ષ તેને પ્રોત્સાહન આપતુ હોય છે જસદણની પેટા ચૂંટણી વિચારધારાની લડાઇની ચૂંટણી છે ર૦૧૪ ની ચૂંટણીમાં ભાજપે આપેલ વચનો યાદ કરજો. આઝાદી પછીનો સૌથી વધારે ભાવ વધારો વર્તમાન ભાજપ સરકાર ના રાજમાં થયો છે.

અમરેલીના ધારાસભ્ય વીરજીભાઇ ઠુંમરે બાવળીયાનું નામ લઇને જણાવ્યું હતું કે હવે તેનામાં તાકાત હોય તો જીતી બતાવે. દેશમાં ભાજપનો વિદાય સમારોહ થવાનો છે. જેની શરૂઆત જસદણની પેટા ચૂંટણીથી થશે.

ઉનાનાં કોંગી ધારાસભ્ય પુંજાભાઇ વંશે જણાવ્યું હતું કે  હવે બાવળીયાને લઇ જઇને શું વાવવાના છો. પાંચ રાજયોની સાથે જસદણની ચૂંટણી જાહેર નથી થઇ ત્યારે કંઇક રંઘાઇ રહ્યાનો આક્ષેપ પણ પુંજાભાઇએ કર્યો હતો. આ સંમેલનમાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ભાજપના જસદણ શહેરના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રભાઇ રામાણીએ જણાવ્યું હતું કે ભાજપના દેખાડવાના અને ચાવવાના જુદા છે. ભાજપવાળા સુધરે તેની મે બહુ રાહ જોઇ પરંતુ તેઓ નહી સુધરતા હવે અમે જ સુધરવાનું નકકી કર્યુ છે. આ સંમેલનમાં વિંછીયા તાલુકા ભાજપ પ્રમુખ નાથાભાઇ વાસાણી, વિક્રમભાઇ માલધારી, વિંછીયાના માજી સરપંચ મનુભાઇ રાજપરા સહિત અનેક લોધો કોંગ્રેસમાં જોડાયા હતાં. સંમેલનમાં લીંબડીના ધારાસભ્ય સોમાભાઇ પટેલ, ચોટીલાના ધારાસભ્ય ઋત્વીકભાઇ મકવાણા, મોરબીના ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા, દશાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી, પડધરીના ધારાસભ્ય લલીતભાઇ કગથરા, સહિતના કોંગ્રેસના ધારાસભ્યો, માજી ધારાસભ્યો વગેરે હાજર રહ્યા હતાં.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહીલે તથા આભાર વિધી અવસરભાઇ નાકીયાએ કરી હતી. ધીરજભાઇ શીંગાળા, વિનુભાઇ ધડુક, રણજીતભાઇ મેણીયા, જયેશભાઇ મયાત્રા સહિતના હાજર રહ્યા હતાં.

ભાજપમાંથી કોંગ્રેસમાં સતાવાર રીતે જોડાયેલા ગજેન્દ્ર રામાણી, મનુ રાજપરા, સંજય વિરોજા, નાથા વાસાણી, સહિતના ૩૯ આગેવાનોએ પોતાના હોદા છોડી કોંગ્રેસમાં  જોડાય ભાજપને હાથીને ચાવવાના અને દેખાડવાના દાંત જૂદા કહ્યા હતાં.

(12:06 pm IST)