Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

વિસાવદરના રાજપરામાં ફાયરીંગઃ યુવકનું અપહરણ કરીને ૩ બાઇક સળગાવી દીધા

વિધીનાં નાણાની ઉઘરાણી મામલે બીજા દિવસે પણ બઘડાટી

જૂનાગઢ તા.૫: વિસાવદરનાં રાજપરામાં વિધિનાં નાણાની ઉઘરાણીનાં મામલે ફાયરીંગની ઘટના બની હતી. તેમજ  હુમલાખોરો ફકીર યુવાનનું અપહરણ કરી ત્રણ બાઇકને સળગાવી મારી તોડફોડ મચાવતા ભારે સનસનાટી મચી ગઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે વિસાવદર તાલુકાનાં રાજપરા ગામે રહેતા જાયદાબેન ભીખુશા રફાઇ (ઉ.વ.૩૦) નામની મહિલાનાં પતિ ભીખુશા રફાઇએ લાલુ મેર નામનાં શખ્સની વિધિનું કામ કરી આપ્યું હતું.

જેમાં રૂા. ૩ લાખની ઉઘરાણી કરતા શનિવારે સાંજે નાસીર રહીમ, પોપટ મકરાણી, બાલુ મેર સહિતનાં ૭ શખ્સો મહિલાને ત્યાં ઘસી ગયા હતાં.

બાદમાં આ શખ્સોએ હુમલો કરી મહિલાનાં રૂા. ૯૦ હજારની કિંમતનાં સોનાના ચેનની લૂંટ ચલાવી અને જાયદાબેનને કપાળના ભાગે છરી ઝીંકીને નાસી ગયા હતાં.

આ અંગે મહિલાએ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસ કોઇ કાર્યવાહી કરે તે પહેલાં ગઇકાલે રવિવારે  સાંજે નાસીર રહીમ, પોપટ મકરાણી, થારૂ મકરાણી અને ત્રણ અજાણ્યા શખ્સો જાયદાબેનની વાડીએ ઘસી ગયા હતા.

જયાં આ શખ્સોએ હવામાં બંદુક માંથી ફાયરીંગ કર્યું હતું. તેમજ ત્રણ મોટર સાયકલને આગ ચાંપી મકાનમાં તોડફોડ મચાવીને રૂા. દોઢ લાખનું નુકસાન કર્યું હતું.

આ પછી પાંચેય શખ્સો મહિલાના પતિ ભીખુશા રફાઇનું અપહરણ કરી ગયા હતાં.

આ અંગેની જાણ થતાં વિસાવદરથી પોલીસ કાફલો ઘસી ગયો હતો અને મહિલાની બીજી ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.(૧.૬)

(12:04 pm IST)