Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

શ્રી શ્રી રવિશંકર મહારાજ કાલે ગોંડલ-સોમનાથમાં

શ્રી ભુવનેશ્વરી માતાજી મંદિરે પૂજન-અર્ચનઃ પ્રથમ જયોર્તિલીંગની મહાપૂજાઃ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે

શ્રી શ્રી રવિશંકર મહારાજની અધ્યક્ષતામાં સોમનાથમાં યોજાનારા કાર્યક્રમની પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી.

ગોંડલ-વેરાવળ-પ્રભાસ પાટણ તા.૫: આર્ટ ઓફ લિવીંગ દ્વારા કાલે શ્રી શ્રી રવિશંકરજી મહારાજના સાનિધ્યમાં ગોંડલ અને શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

શ્રી શ્રી રવિશંકર મહારાજ કાલે તા. ૬ ના રોજ તેઓ ગોંડલના ભુવનેશ્વરી પીઠ ખાતે ભુવનેશ્વરી માતાજીના મંદિરે જઇને પુજા કરશે. અને એ જ દિવસે સોમનાથ જઇને રૂદ્રપુજન કરશે. એ પછી તા. ૭મીએ સવારે અગીયાર વાગ્યે રાજકોટ આવશે અને સાંજે રાજકોટના દિપોત્સ્વ કાર્યક્રમમાં ઉપસ્થિત થઇને અષ્ટલક્ષ્મી પુજા જેમાં આદિલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, સંતાન લક્ષ્મી, વિજય લક્ષ્મી અને રાજલક્ષ્મીનો સમન્વય કરીને પુજન અને એ પછી હવન થશે.સોમનાથ મહાદેવની દિવ્ય ભૂમિમાં કાળી ચૌદસના દિપાવલીના પર્વમાં વિશ્વ વિભૂતિ શ્રી શ્રી રવિશંકરજી સોમનાથના આગમન અંગેની તડામાર તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે.

આ અંગે આજે સ્વામી હરિહરનજી તથા સ્વામી બ્રહ્મચૈતન્યજીની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

જેમાં જણાવ્યું હતું કે પૂજય શ્રી શ્રી રવિશંકરજી ગોંડલથી બપોરે ૧.૪૦ કલાકે હેલીકોપ્ટર દ્વારા સોમનાથ હેલીપેડ ઉપર આવશે અને સાંજે ૪.૩૦ કલાકે સોમનાથ પાસેના સર્કલથી સોમનાથ મંદિર ચેકપોસ્ટ સુધી શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં ટીપ્પણીરાસ સહિતની આ રથયાત્રા હશે. સોમનાથ મંદિર ચેકપોસ્ટથી ગોલ્ફકારમાં ગુરૂજી સોમનાથ મંદિર જશે જયાં તેઓ ૧૦ થી ૧૫ મિનીટ પૂજા પાઠ કરશે અત્રે એ યાદ આપવું જરૂરી છે કે ૨૨ વર્ષ બાદ ગુરૂજી સોમનાથ ફરી આવી રહ્યાં છે. સોમનાથ ખાતે વૈદિક પંડિતો મહાપૂજા કરાવશે.

સોમનાથ ખાતેનાં સદ્દભાવના મેદાન ખાતે મહારૂદ્રપૂજા અને  સત્સંગ સભા રાત્રીના ૮.૩૦ સુધી રખાયેલ છે. જેમાં અંદાજે ૧૫૦૦ જેટલા ભાવિકો આ સત્સંગમાં ભાગ લેશે. જેમાં વિદેશથી પણ અનેક લોકો આવી રહયાં છેે.

સત્સંગ મંડપ ૪૦*૮૦ ફુટનો તેમજ ૪ એલઇડી સ્ક્રીન અને ૧ લાખ વોલ્ટ સાઉન્ડની અદ્યતન સાઉન્ડ વ્યવસ્થા તથા ટોયલેટ- પીવાના પાણી તેમજ સોમનાથ ટ્રસ્ટ તરફથી પ્રસાદીની વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. સંકલ્પ પૂજામાં યજમાન બનવા સર્વનો સંકલ્પ કરાયો છે.

કાળી ચૌદસના પવિત્ર દિવસે પરમ પૂજય શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં યોજાનારી રૂદ્રપૂજા કરવાથી જીવનની બાધતા દૂર થઇ અલૌકિક જીવન બને છે તેમ સંકલ્પ પૂજા કરવાથી ઇચ્છાપુર્તિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે તેવી અનુભૂતિ મેળવી શકાય છે.

ગુરૂજીના સાનિધ્યમાં સંગીતમય ભકિતસભર ધૂન ભાવિકોને ભકિતરસમાં સ્નાન સમી બને છે. પત્રકાર પરિષદમાં પૂરક માહિતી વેરાવળ કેન્દ્રનાં વિજયભાઇ સાગરે આપી હતી.(૧.૫)

(12:04 pm IST)