Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

માધવપુરના રમણીય કાંઠે બીચ ફેસ્ટીવલનો પ્રારંભ : એક મહિનો ચાલશે

ભારતીય સંસ્કૃતિ પ્રચાર - પ્રસાર સાથે રોજગારીનું સર્જનનું આયોજન : ઉદ્ઘાટન સમારંભમાં તલવાર રાસ તથા ટીપણી નૃત્ય યોજાયું

પોરબંદર તા. ૫ : ભગવાન માધવના ધામ માધવપુરના મનમોહક સમુદ્રતટે તા.૨ ડિસે. સુધી યોજાનાર બીચ ફેસ્ટીવલનો રંગારંગ સાસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રારંભ થયો છે.

સતત એક માસ સુધી દરરોજ ઢળતી સાંજે દરિયાઇ ઠંડી લહેરો અને મંદ મંદ ઠંડા પવન સાથે યોજાનાર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.

બીચ ફેસ્ટીવલનો પ્રારંભ કરાવતા પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નિલેષભાઇ મોરીએ કહ્યુ કે, માધવપુરનો આ રમણીય સમુદ્રતટ આપણી સંસ્કૃતિના પ્રચાર પ્રસારનું માધ્યમ બનવા સાથે લોકો માટે રોજગારીનું પણ સર્જન કરશે, તેમણે સ્વચ્છ અને સુંદર માધવપુરના બીચને ફેસ્ટીવલ માટે પસંદ કરવા બદલ ગુજરાત સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

જિલ્લા કલેકટરશ્રી મુકેશ પંડ્યાએ બીચ ફેસ્ટીવલના સુંદર આયોજન માટે ટુરીઝમના અધિકારીઓને અભિનંદન પાઠવી કહ્યુ કે, ટુરીઝમમાં એ તાકાત છે જે ઓછા રોકાણથી વધુ રોજગારીનું સર્જન કરે છે. આ ફેસ્ટીવલથી સ્થાનીક લોકોને રોજગારી મળશે. ઉપરાંત આપણો સમુદ્રતટ વિકાસની વિશાળ સંભાવના ધરાવે છે, તે ઉજાગર થશે.

બીચ ફેસ્ટીવલના પ્રારંભે ગાંધીનગરથી આવેલા કલાકારોએ બેળા રાસ, પોરબંદરના કલાકારોએ પ્રખ્યાત મણીયારો,  ટીપ્પણી નૃત્ય, પ્રાચીન ગરબો તલવાર રાસથી શોર્ય રસની જમાવટ કરી હતી. ભાવનગરના કલાસીકલ ડાન્સ અને નૃત્યોએ ઉપસ્થિત દર્શકોને મંગમૃગ્ધ કર્યો હતા.તો ખેડુત રાસે આપણી પ્રાચીન સંસ્કૃતિનો સૌને પરીચય કરાવ્યો હતો.

ઉદઘાટન સમારોહના પ્રારંભે સીનીયર પ્રવાસી અધિકારીશ્રી પ્રભાસ ગાંગુલીએ સ્વાગત પ્રવચન, ટુરીઝમના જનરલ મેનેજરશ્રી વ્યાસે આભાર દર્શન સાથે બીચ ફેસ્ટીવલનો હેતુ સમજાવ્યો હતો. આ પ્રસંગે પ્રવાસન નિગમના ડાયરેકટર ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગટીયા, માધવપુરના સરપંચ રામભાઇ કરગરીયા, વેરાવળના ફીશ ઉદ્યોગપતી લખમભાઇ ભેસલા, ડો.ચેતનાબેન તીવારી સહિત અધિકારીઓ પદાધિકારીઓ તથા કલારસીકો    ઉપસ્થિત રહ્યા હતા.

બીચ ફેસ્ટીવલમાં સ્પોર્ટસ એકટીવીટી રોપ કલાઇમ્બીંગ, ટાયર કલાઇમ્બીંગ, જમ્પીંગ, કેમલ રાઇડીંગ તથા કિવઝ કોમ્પીટીશન સહિતના કાર્યક્રમ સાથે ફુડ કોર્ટ, હેન્ડીક્રાફટ કલા પ્રદર્શન સહિતનું આયોજન કરાયુ છે.(૨૧.૧૫)

(12:03 pm IST)