Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

પૂ.જલારામ બાપાની જન્મ જયંતિએ રજા જાહેર કરવા વાંકાનેર લોહાણા સમાજ દ્વારા માંગણી

વાંકાનેર તા.૫: લોહાણા સમાજ દ્વારા વિશ્વ વંદનીય સંત શ્રી પૂ. જલારામ બાપાની જન્મ જયંતિની રજા જાહેર કરવાની માંગણી કરતું આવેદન પત્ર વાંકાનેર મામલતદાર શ્રી એ.બી. પરમારને અર્પણ કર્યું હતું.

સૌરાષ્ટ્રની ભૂમિ સંત-ઓલીયા પુરૂષની ભૂમિ છે. આ ભૂમિ ઉપર સંતો-મહંતો અને દેશને ગૌરવ અપાવનારા મહાપુરૂષોએ જન્મ ધારણ કર્યો છે. જેમાં ઘણા બધા સંતો અને મહાપુરૂષોની યાદમાં તેમની જયંતિએ કેન્દ્ર અને રાજય સરકારે જાહેર રજાઓની જાહેરાત કરી છે અને વર્તમાન સમયમાં તેનું પાલન પણ થાય છે.

ત્યારે માત્ર સૌરાષ્ટ્ર જ નહી વિશ્વના ઘણા દેશોના લાખો અનુયાયીઓ જેને વંદન કરી ધન્યતા અનુભવે છે અને માત્ર લોહાણા -રઘુવંશી સમાજ જ નહી જેને સર્વે સમાજ નતમસ્તક વંદન કરે છે એવા સૌરાષ્ટ્રના સંત અને વિરપુરની ધરતી ઉપર અવતરેલા વંદનીય સંત પૂ. જલારામ બાપાની જન્મ જયંતિએ પણ સરકાર શ્રી દ્વાર રજા જાહેર કરે તેવી બુલંદ માંગ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના લોહાણા સમાજ માંથી ઉઠી છે.

ત્યારે વાંકાનેર લોહાણા મહાજન, યુવક મંડળ અને રઘુવંશી સોશ્યલ ગ્રુપના સર્વે હોદેદારો અને જ્ઞાતિ અગ્રણીઓ અત્રેની લોહાણા મહાજન વાડીએ એકત્રીત થયા હતા અને આગામી તા. ૧૪-૧૧-૧૮ના દિવસે વિશ્વ વંદનીય સંત શ્રી પૂ. જલારામ બાપાની જન્મ જયંતિની સરકાર રજા જાહેર કરે તેવી સરકાર શ્રી પાસે માંગણી કરતું આવેદનપત્ર તૈયાર કરી. લોહાણા મહાજન ઉપપ્રમુખ રસીકભાઇ રાજવીર, મંત્ર લલીતભાઇ પુજારા, અગ્રણી ઉદ્યોગપતિ ગિરીશભાઇ કાનાબાર, શ્રી બાલકૃષ્ણ લાલજી તથા શ્રી ગોવર્ધન નાથજી હવેલીના પ્રમુખ ગુલાબરાય સુબા, ચંદુભાઇ હાલાણી, વાંકાનેર લોહાણા યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરા, ઉપપ્રમુખ બટુકભાઇ બુદ્ધદેવ, રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ જીજ્ઞેશભાઇ મજીઠીયા, ઉપપ્રમુખ અમિતભાઇ સેજપાલ સહિત ત્રણેય સંસ્થાના હોદેદારો-કારોબારી સદસ્યો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.

સેવા સદન ખાતે જઇ ઇન્ચાર્જ મામલતદાર એ.બી. પરમારને આવેદન પત્ર આપી. વાંકાનેર લોહાણા સમાજ દ્વારા પૂ. જલારામા બાપાની જન્મજયંતિની રજાની માંગણી સરકાર સુધી પહોંચાડવા માંગણી કરી હતી.

(11:59 am IST)