Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ધારીના ગઢીયા ગામના નિતેષ પાટડીયા અને મહુવાના ભાણવડ ગામની યુવતિ પન્નાબેનની હત્યાઓ થયેલી

સુરેશવાળા અને શેલાર ભૂકણને ઝડપી લીધા બાદ બે માસ અગાઉ બનેલા બનાવનો પર્દાફાશ : યુવકનું ખૂન કર્યા પછી આરોપીએ ત્રણ દિ' બાદ યુવતિનું પણ ખૂન કરી નાખેલ : લાશો સળગાવી નાખેલ : પ્રેમ સંબંધનો કરૂણ અંજામ : અમરેલી પોલીસે ઉકેલેલો ભેદ

અમરેલી તા. ૫ : નાયબ પોલીસ અધિક્ષક આર.એલ.માવાણી, સાવરકુંડલા ડિવીઝન તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એમ.દેસાઇ, મુખ્ય મથક અમરેલી તેમજ સર્કલ પોલીસ ઇન્સ.પી.પી.ચૌધરી, ધારીનાઓના માર્ગદર્શન તળે બે માસ અગાઉ ધારી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ નં.૧૨/૨૦૧૮ ના કામે ગુમ થનાર યુવક નિતેષભાઇ ભુપતભાઇ પાટડીયા, રહે.ગઢીયા, તા.ધારી વાળા અંગે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલા તથા ધારી પો.સ.ઇ. કે.ડી.ગોહિલ તથા પો.સ.ઇ. જી.જે.મોરી તથા પોલીસ સ્ટાફે તપાસ કરી શકદાર સુરેશભાઇ દડુભાઇ વાળા, રહે.ગઢીયા વાળાની યુકિત પ્રયુકિતથી સઘન પુછપરછ કરતાં અન્ય સહઆરોપીઓ સાથે મળી પુર્વાયોજીત કાવતરૃં રચી નિતેષભાઇ ભુપતભાઇનું અપહરણ કરી, તેને માર મારી, ગોંધી રાખી, બાદમાં તેનું ખુન કરી નાંખેલ હોવાનું તપાસ દરમ્યાન બહાર આવતાં આ અંગે ધારી પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં.૬૧/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧, ૧૨૦(બી) વિ. મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ.

આ ગુન્હાના કામે તપાસ કરી પુરાવાઓ એકઠાં કરી આરોપીઓ (૧) સુરેશભાઇ દડુભાઇ વાળા, રહે.ગઢીયા, તા.ધારી તથા (ર) શેલારભાઇ આપાભાઇ ભુકણ, રહે.ભાણવડ, તા.મહુવા, જી.ભાવનગર વાળાઓને પકડી પાડી તેમને કોર્ટમાં રજુ કરી ૭ દી' ના પોલીસ રીમાન્ડ મેળવવામાં આવેલ છે. અને વધુ પુરાવાઓ મેળવવા તેમજ અન્ય સહઆરોપીઓ પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે. પકડાયેલ આરોપીઓની તપાસ દરમ્યાન મરનાર યુવક અને મહુવા તાલુકાના ભાણવડ ગામની યુવતી પન્નાબેન મનુભાઇ ભુકણ વચ્ચે પ્રેમ સબંધ હોય જેથી મરનાર યુવકનું અપહરણ કરી તેનું મોત નિપજાવવામાં આવેલ. અને મરનાર યુવકનું ખુન કર્યા બાદ બે ત્રણ દિવસ પછી આરોપીઓએ પન્નાબેનનું પણ ખુન કરી નાંખેલ હોવાનું અને બંનેના ખુન કર્યા બાદ તેમની લાશ સળગાવી નાંખી પુરાવાનો નાશ કરેલ હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામેલ છે. આ અંગે વધુ તપાસ શરૂ છે.

આમ, અપહરણ થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસ અધિક્ષકશ્રી.અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ડી.કે.વાઘેલા, ધારી પો.સ.ઇ.કે.ડી.ગોહિલ તથા પો.સ.ઇ. જી.જે.મોરી અને પોલીસ સ્ટાફે સફળતા મેળવેલ છે.

(4:48 pm IST)