Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

જામનગરના ચકચારી એડવોકેટ કિરીટભાઇ જોષીની હત્યાના કેસમાં વધુ ચાર આરોપીની જામીન અરજી રદ

જિલ્લા પોલીસ વડાનું સોગંદનામુઃ સ્પે.પી.પી.ની દલીલો સ્વીકારી કોર્ટે જામીન ફગાવ્યા

રાજકોટ તા.૫: જામનગરના એડવોકેટ કિરીટ જોષીની હત્યા અંગેના ચકચારી પ્રકરણમાં સંડોવાયેલા અને જેલવાસ ભોગવી રહેલા ચાર આરોપીઓ દ્વારા જામનગરની અદાલતમાં પોતાને જામીન પર મુકત કરવા માટે અરજી કરવામાં આવી હતી જેમાં જિલ્લા પોલીસ વડા દ્વારા સોગંદનામું કરાયું હતું. તેમજ રાજય સરકાર દ્વારા નિમાયેલા સ્પેશીયલ પી.પી. દ્વારા જુદી-જુદી અદાલતોના ચુકાદાઓ ટાંકવામાં આવ્યા હતા જયારે હત્યા કેસના સાક્ષીઓને છોડવાની અને ધાકધમકીની પ્રક્રિયાઓ થઇ હોવાથી અને તે મુજબના ગુન્હા દાખલ થયાના આધારો રજુ કરતા અદાલતે ચારેય આરોપીઓના જામીન ફગાવ્યા છે.

જામનગરમાં ટાઉનહોલ જેવા ભરચક વિસ્તારમાં એડવોકેટ કિરીટ જોષીની હત્યા નિપજાવાઇ હતી જે હત્યા પૂર્વયોજીત કાવતરૂ ઘડીની કુખ્યાત ભુ માફીયા જયેશ પટેલ તેમજ તેના સાગરીતો દ્વારા કરવામાં આવી હોવાનું જાહેર થયું હતું અને સીટી ''બી'' ડિવી. પોલીસ મથકમાં એડવોકેટ કિરીટ જોષીના નાનાભાઇ અશોક જોષી દ્વારા જામનગરના જ કુખ્યાત ભુમાફીયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામે ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ અંગેના  પ્રકરણમાં પકડાયેલા અને જેલવાસ ભોગવી રહેલા ચાર આરોપીઓ નેમીશ ઉર્ફે ભુરો બિપીનભાઇ ગણાત્રા, મનીષ અમૃતલાલ ચારણ, અજયસિંગ ઉર્ફે બોબી પવાર અને રવિ રાજેશભાઇ ગંગવાણી વગેરેએ પોતાને જામીન પર મુકત કરવા માટે અરજી કરવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા આ ચકચારી હત્યાના પ્રકરણમાં કેસ ચલાવવા માટે સરકાર પક્ષે રાજકોટના સ્પેશીયલ પી.પી. એડવોકેટ અનિલ દેસાઇની નિમણૂંક કરવામાં આવી હતી. જેઓ દ્વારા જુદી-જુદી અદાલતોનાચુકાદા ટાંકી જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

આ ઉપરાંત જામનગરના જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા ૧૮ પાનાનું સોગંદનામું કરવામાં આવ્યું હતું ઉપરોકત હત્યા કેસના સાક્ષીઓને ધાકધમકી અપાતી હોવાનું બહાર આવ્યું છે જે અંગેના રેકોર્ડીગ પણ સામે આવ્યા હતા અને મુખ્ય સુત્રધાર જયેશ પટેલ સામે સાક્ષીઓને ધમકી આપવા અંગેની વધુએક ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવાઇ હતી જે ફરિયાદ અંગેના રેકર્ડ પુરાવાઓ પણ અદાલત સમક્ષ રજુ કરવામાં આવ્યા હતાં.ઉપરોકત સમગ્ર દલીલો પુરાવા વગેરેને ધ્યાને લઇને અદાલતે ચારેય આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

આ કેસમાં સરકારપક્ષે સ્પે.પી.પી. અનિલભાઇ દેસાઇ રોકાયા હતાં.(૧.૫)

(12:28 pm IST)