Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

કુંવરજીભાઇએ અંગત સ્વાર્થ - સત્તા માટે કોંગ્રેસ સાથે દગાબાજી કરી : વિરજીભાઇ

જસદણ - વિંછીયા તાલુકાની પેટાચૂંટણીના પડઘમ વચ્ચે લાલાવદરમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાનોની બેઠક યોજાઇ

આટકોટ તા. ૫ : જસદણ - વિંછીયા તાલુકાની પેટાચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે ત્યારે ભાજપે તો કુંવરજીભાઇ બાવળીયાને કેબિનેટ મંત્રી બનાવી ચુંટણીની તૈયારીઓ બે મહિનાથી ચાલુ કરી દીધી છે. જ્યારે કોંગ્રેસે હવે તૈયારીનાં ભાગરૂપે જસદણના લાલાવદર ગામેથી ગઇકાલે ચુંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. જેમાં ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે કુંવરજીભાઇ સામે તાતા-તીર છોડયા હતા.

જસદણ - વિંછીયા તાલુકાની પેટાચુંટણી હવે થોડા દિવસોમાં જ યોજાવાની શકયતા વચ્ચે ગઇકાલે કોંગ્રેસના પ્રદેશના આગેવાનોની હાજરીમાં લાલાવદર ગામે આવેલ મંગલધામ આશ્રમ ખાતે કાર્યકર્તાઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના પ્રદેશ અગ્રણી અને ધારાસભ્ય પુંજાભાઇ વંશ, ધારાસભ્ય વીરજીભાઇ ઠુંમર, ધારાસભ્ય ઋત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયા, ભોળાભાઇ ગોહિલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે વિરજીભાઇ ઠુંમરે કુંવરજીભાઇ બાવળિયા સામે 'તાતા-તીર' છોડતા જણાવ્યું હતું કે, કુંવરજીભાઇએ પોતાના અંગત સ્વાર્થ અને સત્તા મેળવવા કોંગ્રેસ સાથે દગાબાજી કરી છે. કુંવરજીભાઇને લોકોએ મત નહોતા આપ્યા પરંતુ કોંગ્રેસને આપ્યા હોય હવેની ચુંટણીમાં ફરી મતદારોએ કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવા હાંકલ કરી હતી.

પુંજાભાઇ વંશે જણાવ્યું હતું કે, જસદણ તાલુકો પ્રથમથી જ કોંગ્રેસનો ગઢ ગણાય છે જે આગામી ચુંટણીમાં પણ યથાવત જળવાઇ રહેશે અને જસદણ - વિંછીયાની પ્રજા દગાખોર કુંવરજીભાઇને જરૂર જાકારો આપશે.

આ પ્રસંગે ઋત્વિક મકવાણા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયા, ભોળાભાઇ ગોહિલ, જિલ્લા પંચાયતના સભ્ય અવસરભાઇ નાકિયા, વિનુભાઇ ધડુકે પ્રાસંગીક ઉદ્બોધન કર્યું હતું અને આગામી દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયતની સીટોનું માઇક્રો પ્લાનીંગ કરી જસદણ તાલુકામાં ગામે-ગામ જઇ ભાજપ સરકારની નિષ્ફળતા વિશે પ્રજાને જાણકારી આપવા કાર્યકરોને આહ્વાન કર્યું હતું.

જોકે આ મીટીંગમાં પ્રદેશના આગેવાનો અને ૩ ધારાસભ્યો હાજર હોવા છતાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનો મેદની ભેગી ન કરી શકતા પ્રદેશના આગેવાનોએ સ્થાનિક આગેવાનોને ઠપકો પણ આપ્યો હતો. કોંગ્રેસની આગામી પેટા ચુંટણી અનુસંધાને પ્રથમ મીટીંગમાં માત્ર ૩૦૦ થી ૪૦૦ જેટલા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય પુંજાભાઇ વંશ, વિરજીભાઇ ઠુંમર, ઋત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયા, ભોળાભાઇ ગોહિલ, માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન કડવાભાઇ જોગરાજીયા, જિલ્લા પંચાયતના સભ્ય અવસરભાઇ નાકિયા, વિનુભાઇ ધડુક, સ્થાનિક આગેવાનો ધીરૂભાઇ શીંગાળા, ભીખાભાઇ સદાદીયા, વિનુ યાદવ, જયેશ મયાત્રા, નિલેશ જોટંગીયા, રણજીત ખેર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૧૧)

ટિકીટ ગમે તેને મળે પરંતુ પક્ષને વફાદાર રહેવા માતાજી સમક્ષ સમ ખાવા મુદ્દે દેકારો

આટકોટ તા. ૫ : લાલાવદર ગામે કોંગ્રેસની મળેલી મીટીંગમાં ટીકીટ ગમે તેને મળે પરંતુ બાદમાં બધાએ પક્ષને વફાદાર રહેવાનું જે અંગે માતાજી સમક્ષ સમ ખાવાના પ્રશ્ને આ મીટીંગમાં દેકારો બોલી ગયો હતો.

ગઇકાલે કાર્યકર્તાઓની મળેલી મીટીંગમાં આગામી ધારાસભાની ચૂંટણી માટે ટીકીટના છ દાવેદારો હાજર હતા ત્યારે કોઇ કાર્યકર્તાએ ટીકીટ જેને પણ મળે પછી બધાએ સાથે રહીને જ પાર્ટી માટે કામ કરવું પડશે એ માટે આકાસી મેલડીમાંના સમ ખાવાનું કહેતા થોડીવાર માટે દેકારો બોલી ગયો હતો. આ બાબતે અમુક આગેવાનોએ સહમતિ દર્શાવી હતી. જ્યારે અમુક આગેવાનોએ હવે સમખાવાની વાતો ભૂલી જઇ વફાદારીથી પાર્ટીનું કામ કરવાનું કહેતા અમુક કાર્યકર્તાઓ નારાજ પણ થયા હતા.

(12:23 pm IST)