Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મોરબી: મધ્યાહન ભોજન યોજનાના સંચાલિકા અનુ.જાતિના હોવાથી શાળાના બાળકો જમતા ન હોવાની ચોંકાવનારી ફરિયાદ.

મોરબી તાલુકાના સોખડા ગામના બનાવ સંદર્ભે તંત્ર દોડ્યું : વાલીઓ કહે છે અમે સુખી સંપન્ન હોવાથી અમારા બાળકો નથી જમતા

મોરબીના સોખડા ગામે સરકારી શાળાના વિદ્યાર્થીઓ સરકારના મધ્યાહન ભોજન કાર્યક્રમ હેઠળ પીરસવામાં આવતા ભોજન જમવા માટે બેસતા નથી. કથિત રીતે એક અનુ જાતિની મહિલા ભોજન રાંધતા હોય જેથી સ્કૂલના બાળકો આ ખોરાક ખાતા ન હોવા અંગે સંચાલિકા બહેને અધિકારીઓને ફરિયાદ કરી તેઓ અનુ.જાતિના હોવાથી બાળકો તેમનું રાધેલું ખાતા ન હોવાનું જણાવતા વિવાદ ઉભો થયો હતો. જેથી નાયબ મામલતદારે તાકીદે દોડી જઈને મીટીંગ કરતા વાલીઓએ સુખી સંપન્ન હોવાથી તેમના બાળકો ન જમતા હોવાનું જણાવ્યું હતું.

મોરબીના સોખડા ગામે સોખડા પ્રાથમિક શાળામાં અનુ.જાતિની મહિલા ધારાબેન રમેશભાઈ મકવાણા નામના મહિલાને થોડા સમય અગાઉ શાળામાં મધ્યાહન ભોજન બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કોન્ટ્રાક્ટ મળતાં ધારાબેન મકવાણાએ 16મી જૂને શાળામાં મધ્યાહન ભોજન બનાવ્યું હતું પરંતુ એક પણ વિદ્યાર્થી જમવા બેઠો નહોતો. ફરિયાદ કરનાર ધારાબેન મકવાણાનું કહેવું છે કે તેઓ SC સમુદાયના હોવાને કારણે વિદ્યાર્થીઓના માતા-પિતા નથી ઈચ્છતા કે તેમના બાળકો તેમના દ્વારા બનાવેલો ખોરાક ખાય.

ધારાબેનએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમની પહેલા રસોઈ બનાવવાનું કામ એક ઓબીસી સમુદાયના લોકો પાસે હતું, ત્યારે મોટાભાગના શાળાના બાળકો જમવા બેસતા હતા, પરંતુ તેમને કોન્ટ્રાક્ટ મળ્યો છે ત્યારથી આજદિન સુધી બાળકો જમવા બેઠા નથી.
હાલમાં સોખડા પ્રાથમિક શાળામાં કુલ 153 વિદ્યાર્થીઓ છે જેમાંથી 147 વિદ્યાર્થીઓ OBC સમુદાયના છે. ધારાબેનને મધ્યાહન ભોજન યોજનાનો કોન્ટ્રાક્ટ મળ્યા બાદ 16 જૂનથી એક પણ બાળકે શાળામાં બનાવેલો ખોરાક ખાધો નથી. ધારા મકવાણા દ્વારા વિભાગ દ્વારા શાળા પ્રશાસન અને પોલીસને અધિકારીઓને ફરિયાદ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આથી શાળા પ્રશાસન, મામલતદાર અને ગામના લોકો વચ્ચે બે-ત્રણ બેઠકો પણ યોજાઈ હતી.

જો કે ધારાબેન દ્વારા ફરિયાદ કરવામાં આવતા ગઈકાલે મામલતદારની ટીમ અને શિક્ષણ વિભાગની ટીમ શાળાએ પહોંચી તપાસ કરી હતી. ટીમે બાળકોના માતા-પિતા, ગામના સરપંચ સાથે વાત કરી, દરેકને જ્ઞાતિવાદી વલણ ન લેવા જણાવ્યું અને બધા સમાન છે અને કોઈ અસ્પૃશ્ય નથી.જો કે વાલીઓએ કહ્યું હતું કે મધ્યાહન ભોજન ખાવું ફરજીયાત નથી. આ બેન જે કહી રહ્યા છે એવો કોઈ મુદ્દો જ નથી. અમે સુખી સંપન્ન પરિવારના હોવાથી અમારા બાળકો જમતા નથી. આ સિવાય બીજું કોઈ કારણ નથી. આમ છતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે, આ ગંભીર મામલે તપાસ માટે કમિટી નીમી છે અને એનો રિપોર્ટ આવે તે પ્રમાણે કાર્યવાહી થશે.

(11:37 pm IST)