Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ચોટીલા ચામુંડા મંદિર રોપ-વે પ્રોજેક્ટને રદ કરવાની માગ કરતી PILને ફરીથી રિવાઈવ કરવાની માગ હાઈકોર્ટે નકારી

જાહેરહિતની અરજીને ફરીથી જીવિત કરવાનો કોઈ અર્થ જણાતો નથી : હાઈકોર્ટ

ચોટીલા તા.05 : સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલા ડુંગર પર હાથ ધરાનારા રોપ-વે પ્રોજેક્ટ સામે ચામુંડા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેને લઈ રાજ્ય સરકારના નોટિફિકેશન અને ડ્રાફ્ટ ઓર્ડરને રદ કરવાની માગ સાથેની PILને ફરીથી જીવિત કરવાની માગ સાથે થયેલી અરજીને હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ફગાવી દીધી છે.

હાઈકોર્ટનુ અવલોકન છે કે, સંબંધિત સત્તાધીશે હાઈકોર્ટના આદેશ બાદ અરજદારની રજૂઆતને સાંભળીને હુકમ કરેલો છે, જેમાં અરજદારની રજૂઆતને નકારી દેવાયેલી છે. જેથી, આ જાહેરહિતની અરજીને ફરીથી જીવિત કરવાનો કોઈ અર્થ જણાતો નથી.

અરજદારના વકીલની રજૂઆત હતી કે, ભૂતકાળમાં તેમની જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે આદેશ કરેલો કે સંબંધિત સત્તાધીશો અરજદારની રજૂઆતને સાંભળે અને પછી નિર્ણય લે. જે મુજબ સત્તાધીશોએ તેમને સાંભળેલા અને રજૂઆતને નકારેલી. સરકારમાં રહેલા કેટલાક અધિકારીઓ આ કંપનીને જ રોપ-વેનો પ્રોજેક્ટ આપવાની તરફેણ કરે છે. જો કે, આ પ્રોજેક્ટ સાથે લોકોની જીવની સુરક્ષાનો મુદ્દો જોડાયેલો છે. જેથી, તેમની જૂની જાહેરહિતની અરજીને ફરીથી રિવાઈવ કરો.

(11:32 pm IST)