Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જુનાગઢ-૩, સાવરકુંડલા-ર, શિહોર-વલ્લભીપુરમાં ૧ાા ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાતાવરણમાં પલ્‍ટોઃ વાદળા છવાયાઃ કોઇ જગ્‍યાએ ભારે કોઇ જગ્‍યાએ હળવો વરસાદ

રાજકોટ, તા., ૫: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારથી વાતાવરણમાં પલ્‍ટા સાથે જુનાગઢમાં  ૩ ઇંચ વરસાદ વરસ્‍યો છે. જયારે સાવરકુંડલામાં ર તથા શિહોર અને વલ્લભીપુરમાં  દોઢ ઇંચ વરસાદ પડયો છે.

આજે સવારથી વાદળા છવાઇ જતા કોઇ જગ્‍યાએ ભારે તો કોઇ જગ્‍યાએ હળવો વરસાદ વરસી જાય છે.

જુનાગઢ

(વિનુ જોશી દવારા) જુનાગઢઃ જુનાગઢમાં ૩ ઇંચ વરસાદ વરસ્‍યો છે જયારે મેંદરડામાં દોઢ, કેશોદમાં ૧ ભેંસાણ, વિસાવદર, માંગરોળમાં અડધો ઇંચ વરસાદ વરસ્‍યો છે.

વઢવાણ

(ફજલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ સુરેન્‍દ્રનગરજીલ્લાના લખતરમાં ૧ ઇંચ તથા ધ્રાંગધ્રા દસાડામાં ઝાપટા પડયા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્‍યો છે.

જિલ્લાના સિહોર અને વલભીપુરમાં દોઢ ઇંચ વરસાદ જ્‍યારે ગારિયાધાર ,ઉમરાળા અને પાલીતાણામાં એક ઇંચ વરસાદ અને તળાજામાં અડધો ઈંચ વરસાદ પડ્‍યો છે. આજે સવારે પણ ભાવનગર શહેર અને જિલ્લામાં વાદળિયું વાતાવરણ રહેવા પામ્‍યું હતું.

આજે સવારના ૬ વાગે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર ના શિહોર માં ૩૮ મી.મી.વલભીપુરમાં ૩૭ મી.મી.ગારીયાધારમાં ૨૭ મી.મી.પાલીતાણા માં ૨૧ મી.મી. તળાજામાં ૧૦ મી.મી.અને ભાવનગરમાં ૨ મી.મી.વરસાદ નોંધાયો છે.

વાંકાનેર

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર : વિવિધ ફોરકાસ્‍ટ મોડેલો આજે વાંકાનેરમાં ભારે વરસાદ પડે તેવા નિર્દેશો આપી રહ્યા છે. ત્‍યારે વાંકાનેર પંથકમાં સતત ત્રણેક દિવસથી અસહય ગરમી બાદ આજ સવારથી વાતાવરણમાં પલ્‍ટો જોવા મળી રહ્યો છે. સવારથી ધીમી ધારે છાંટાઓ વરસવાનો પ્રારંભ થયો છે. જેમાં દિવસના ઉતરાર્ધે વરસાદી ગતિ તેજ અને સાર્વત્રિક બને તેવી સંભાવના જોવા મળે છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે કેટલાક સ્‍થળે વરસાદના ઝાપટા પડયા પછી આજે સવારથી વરસાદી વાતાવરણ સર્જાયુ હતું તો બે દિવસની ભારે ગરમી અને ઉકળાટ પણ શરૂ થયા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગર જીલ્લાના જોડીયામાં વરસાદી ઝાપટા પડયા છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલીમાં કાલે સાંજથી આજે સવાર સુધીમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

(11:56 am IST)