Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

માણાવદરના ભીતાણામાં મોડી રાતે વૃધ્‍ધાને કૂતરાએ બટકા ભર્યાઃ ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા

ફળીયામાં સુતા'તા ત્‍યારે મોઢા, હાથ, પગમાં બટકા ભર્યાઃ દેકારો સાંભળી રૂમમાં સુતેલા દિકરાએ આવી બચાવ્‍યા

રાજકોટ તા. ૫: માણાવદરના ભીતાણા ગામે મોડી રાતે ઘરના ફળીયામાં ઉંઘી રહેલા વૃધ્‍ધાને એક કૂતરાએ ફાડી ખાતાં મોઢા, હાથ, પગમાં ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્‍યા મુજબ ભીતાણા ગામે રહેતાં જીવુબેન કરણાભાઇ જળુ (ઉ.વ.૯૫) રાતે ઘરના ફળીયામાં ખાટલામાં ઉંઘી રહ્યા હતાં ત્‍યારે બારેક વાગ્‍યે આવી ચડેલા કુતરાએ તેમના પર હુમલો કરી મોઢા પર ડાબી આંખ નીચે, તેમજ હાથ, પગમાં બટકા ભરી લેતાં વૃધ્‍ધાએ દેકારો કરી મુક્‍યો હતો. ચીસો સાંભળી રૂમમાં સુતેલા પુત્ર કરસનભાઇ તથા બીજા સભ્‍યો દોડી આવ્‍યા હતાં અને કુતરાને મહામહેનતે તગેડી માતાને બચાવ્‍યા હતાં.

લોહીલુહાણ થઇ ગયેલા જીવુબેનને પહેલા માણાવદર હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી જુનાગઢ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ હાલત વધુ ખરાબ હોઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જીવુબેનને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે. પતિ હયાત નથી.

હાલમાં જ નવુ મકાન બનાવ્‍યું હોઇ રૂમમાં હજુ બારી દરવાજા પણ ફીટ કરવાના બાકી હોઇ જીવુબેન ફળીયામાં ખાટલા પર સુતા હતાં અને રાતે ક્‍યાંકથી ધસી આવેલા કુતરાએ ઓચીંતો હુમલો કરી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ બાટવા પોલીસને જાણ કરી હતી.

(12:22 pm IST)